અદાણી ફાઉન્ડેશન દ્વારા નર્મદા જીલ્લામાં પ્રજ્વલિત છે સુપોષણની જયોત

0
26

એકતા નગર તા.24 : નર્મદા જિલ્લામાં અદાણી ફાઉન્ડેશન અને અદાણી વિલમર કંપનીના સંયુકત પ્રયાસથી “સુપોષણ” કાર્યક્રમ ની શરૂઆત તારીખ ૧ જુલાઇ ૨૦૧૮ ના રોજ કરવામાં આવી હતી. આ “સુપોષણ” પ્રોજેકટ આખા ભારત દેશમાં ૨૦ જેટલા વિસ્તારોમાં ચાલી રહયો છે.

આ કાર્યકમનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારમાં રહેતા બાળકો, કિશોરીઓ અને માતાઓમાં આરોગ્ય અને પોષણ વિશેની જાગૃતિ તથા સુધાર લાવવાનો છે તેમજ સરકારી યોજનાઓ, સેવાઓ અને સમુદાય વચ્ચે સેતુ બનીને કાર્ય કરે છે. આ પ્રોજેકટ અંતર્ગત અત્યાર સુધી પાંચ વર્ષથી નીચેના 42000થી વધુ બાળકોને લાભ આપ્યો છે.
સરકારી વિભાગના સહયોગ અને સંકલનમાં અનેક સંસ્થા કામ કરે છે. જ્યારથી નિતિ આયોગ દ્વારા ગુજરાત રાજયના નર્મદા જિલ્લાને Aspirational district તરીકે જાહેર કરવામાં આવ્યો એ પછી ગુજરાત સરકાર અને અદાણી ફાઉન્ડેશન સાથે રહીને નર્મદા જીલ્લામાં “સુપોષણ પ્રોજેકટ” નું MOU કરીને સાથે રહીને અસરકારક અમલીકરણ કરી રહયા છે. “સુપોષણ” પ્રોજેકટ અંતર્ગત કુપોષણ અને એનિમિયાને અટકાવવા વિવિધ જાગૃતિ લક્ષી કામગીરી હાથ ધરવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા નર્મદા જિલ્લાના પાંચ તાલુકાના 500થી વધુ ગામમાં આ જ જિલ્લાની ૨૧૫ બહેનો સુપોષણ સંગીની તરીકે સઘન કામગીરી કરી રહી છે. આ બહેનો ની ગામમાં આગવી ઓળખ ઉભી થાય તે હેતુથી તેઓને ટેબલેટ, વજન અને ઊંચાઇના સાધનો, સલાહ માર્ગદર્શન માટે ચિત્રો સાથે પોષણ અને સ્વાસ્થ્ય વિષયક સરળ ભાષામાં સમજ આપી શકે તેવું IEC મટીરીયલ તેમની સાથે હોય છે.

નર્મદા જીલ્લામાં કામગીરીની શરૂઆતના પ્રથમ તબકકામાં સંગીની બહેનો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, એ માહીતીના આધારે કામગીરીનું આયોજન અને અમલીકરણ રણનીતિ નકકી કરીને સરકારની યોજના અને વિભાગો સાથે કામગીરી શરૂ કરી હતી. સુપોષણ સંગીની બહેનો નિયમિત રીતે સરપંચ, વડીલો, આગેવાનો અને બહેનો સાથે ઘર મુલાકાત કરે છે, કુપોષિત બાળકોને ઓળખવા, કિશોરીઓ, સગર્ભા ધાત્રી સાથે મુલાકાત કરીને સલાહ પરામર્શ કરવો, જુથમાં અલગ અલગ વિષયો ઉપર માહીતી આપવી. ઉપરાંત આંગણવાડી ની સેવાઓ અને મમતા દિવસમાં અપાતી સેવાઓનો લાભ લેવા ઉત્સાહીત કરવા. બહેનો અને લાભાર્થીઓને સરકારી યોજનાઓ સાથે જોડવા અને જાગૃતી લાવવી સાથે જ ગ્રામ્યસ્તરે આશા અને આંગણવાડી બહેનોને મદદ જેવી કામગીરી કરી રહયા છે.

સરકારી વિભાગ દ્વારા યોજાતા મમતા દિવસમાં સુપોષણ સંગીની પોતાની મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. સુપોષણ પ્રોજેકટ અંતર્ગત સમુદાયમાં લોકજાગૃતિ વધારવા માટે અલગ અલગ પ્રયોગો હાથ ધર્યા છે. સરકાર ના આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા ટી.એચ.આર (માતૃ શકિત) આપવામાં આવે છે. એ જ સામગ્રીથી અલગ અલગ પોષણયુકત વાનગીઓ કઈ રીતે બનાવી શકાય એની તાલીમ સંગીની બહેનો આપે છે. આદીવાસી વિસ્તારમાં ખોરાકમાં વૈવિધ્યતા નહીવત હોય છે તેમજ દિવસમાં ખાવા માટેનો સમય માં વધારે અંતર જોવા મળે છે. એટલે માતા અને બાળકને જરૂરિ પોષકતત્વો મળી રહેતા નથી. સુપોષણ સંગીની બહેનો સ્નેહ શિબિરમાં અતિ કુપોષિત અને મધ્યમ કુપોષિત બાળકો માટે બાળશકિત માથી અલગ અલગ વાનગી ૧૪ દિવસ સુધી માતાઓ ની હાજરીમા જ બનાવવા માં આવે છે. સંગીની પોતાના ઘરે જ વાનગી પ્રદર્શન કરે છે અને જરૂરિ સામગ્રી ઉપરથી ઉમેરવા માટે અદાણી ફાઉન્ડેશન તરફથી કીટ આપવામાં આવે છે.

સુપોષણ સંગીની બહેનો અને સરકારના ના સઘન પ્રયત્નો અને મહેનતથી સારા એવા પરિણામો મેળવી શકાયા છે એ આંકડાથી પુરવાર થાય છે.  અત્યાર સુધી નર્મદા જીલ્લામાં 42405 બાળકોને પોષણના વિવિધ માપદંડના આધારે ચકસ્યા છે. એ પૈકી 3000થી વધુ બાળકો અતિકૂપોષિત મળી આવ્યા છે. એ 3000 પૈકી પણ 1600 જેટલા બાળકોને તો બાળ સંજીવની કેન્દ્રમાં વધુ દેખરેખ અને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. અત્યારસુધી 23086 બાળકોને કુપોષણમાથી સ્વસ્થ થયા છે. આ પરિણામો સરકારના, આઇસીડીએસ, આરોગ્ય સમુદાયના સહિયારા પ્રયત્નોને આભારી છે.

આજે નર્મદા જીલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં આવ્યું છે એ એકતા નગર ખાતે સરકારી અધિકારીઓ, અદાણી વિલમર, અદાણી ફાઉન્ડેશનના અધિકારીઓ અને પત્રકારોની હાજરીમાં એક વર્કશોપ દરમિયાન નર્મદા જીલ્લામાં ચાલતા સુપોષણ પ્રોજેકટની વિગતો આપી હતી. અદાણી વિલમરના સમગ્ર સુપોષણ પ્રોજેકટ દરમિયાન સરકારના દરેક વિભાગનો સતત સહયોગ અને માર્ગદર્શન મળતું રહે છે. સંસ્થા અને સરકાર સાથે મળીને શ્રેષ્ઠ પરિણામ મેળવી શકે છે એનો અનુભવ નર્મદા જિલ્લામાં થયો છે.