અમદાવાદથી બેંગ્લુરુ જઈ રહેલા પેસેન્જરે ફ્લાઈટના ટોઈલેટમાં જઈ બીડી પીતા ફ્લાઇટનું એલાર્મ વાગતા મુસાફરો ભયભીત થઈ ગયા હતા અને સ્ટાફ દ્વારા મુસાફરને પકડી લેવાયો હતો જેની બેંગ્લુરુની પોલીસે ધરપકડ કરી હતી.
ફલાઇટમાં પેસેન્જરોના જીવ જોખમમાં મુકવાના આરોપ બદલ તેને સાત દિવસ બેંગ્લુરુ સેન્ટ્રલ જેલમાં પુરી દેવાયો છે.
અમદાવાદથી બેંગ્લુરુ જઈ રહેલા મૂળ રાજસ્થાનનો એક પેસેન્જર પ્રથમ વખત ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યો હોય તેને લાગ્યું કે ટ્રેનમાં જે રીતે બીડી પી શકાય તેમ ફ્લાઈટમાં પણ પીવાતી હશે તેમ માની ટોયલેટમાં જઈ બીડી સળગાવી હોવાનું સામે આવ્યું છે.
આ ઘટના મંગળવારની છે, અકાશા એરલાઇનની અમદાવાદથી બેંગ્લુરુની ફ્લાઈટમાં 150થી વધુ પેસેન્જર હતા. ફ્લાઈટમાં રાજસ્થાન પાલીના 56 વર્ષીય પ્રવીણકુમાર નામનો પેસેન્જર પણ હતો તે તેના સગાનું અવસાન થયું હોવાથી તે બેંગ્લુરુ જઈ રહ્યો હતો. દરમિયાન પ્રવીણ ફ્લાઇટ ટેકઓફ થયાની થોડી ક્ષણો બાદ ટોઈલેટમાં ગયો હતો અને ત્યાં બીડી સળગાવતા એલાર્મ વાગ્યું હતું અને ક્રૂ મેમ્બર્સ દોડી ગયા હતા અને તેને પકડી લીધો હતો અને બીડી બુઝાવી દીધી હતી ત્યારબાદ ફ્લાઈટ લેન્ડ થતા બેંગુલુરુ એરપોર્ટ પરની સીઆઈએસએફની ટીમે પોલીસ બોલાવીને તેની અટકાયત કરી હતી.
ફ્લાઈટમાં બીડી પીવાનું પોલીસે કારણ પૂછતા તેણે જણાવ્યુ કે હું પહેલી વાર ફલાઇટમાં બેઠો હતો તેથી ખબર નહોતી.
ટ્રેનમાં ઘણી વખત મુસાફરી દરિમયાન ધૂમ્રપાન કરું છું તો વિમાનમાં બીડી પી શકાય છે એમ માનીને ધૂમ્રપાન કર્યું હતું. તપાસ કરતા અધિકારીએ વધુમાં એમ પણ જણાવ્યું કે ફ્લાઇટના બેસતા પહેલા દરેક પેસેન્જરની સુરક્ષા તપાસ કરવામાં આવે છે એવામાં મુસાફર ફ્લાઇટમાં બીડી કે સિગારેટ કેવી રીતે લઈ ગયો તે પણ તપાસકર્તાઓની પણ ભૂલ સામે આવી છે.