અમદાવાદ: આગામી એક કલાકમાં આ વિસ્તારમાં માવઠાંની આગાહી, જાણો આજે ક્યાં વરસ્યો કમોસમી વરસાદ?

0
35

રાજ્યમાં હાલ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. હવામાન વિભાગે પણ આગામી 5 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારમાં ગાજવીજ સાથે માવઠું અને કરા પડવાની આગાહી કરી છે. ત્યારે હવે આગામી એક કલાકમાં મધ્ય ગુજરાતમાં માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. 

મીડિયા અહેવાલ મુજબ, હવામાન વિભાગે આગામી એક કલાકમાં મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં કડકા-ભડાકા સાથે વરસાદ થવાની આગાહી કરી છે. વિભાગે જણાવ્યું છે કે, આગામી એક કલાકમાં દાહોદ, મહિસાગર, પંચમહાલ અને છોટાઉદેપુર સહિતના અનેક વિસ્તારમાં માવઠું અને કરા પડવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. માહિતી મુજબ, સુરેન્દ્રનગરના લીંબડીમાં આજે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે, જ્યારે વાતાવરણમાં અચાનક પલટાના કારણે લીંબડી તાલુકાના 14 જેટલા ગામોમાં વીજળી પણ ગુલ થઈ છે. 

દાહોદમાં વીજળી પડવાથી 4 ભેંસના મોત

મીડિયા અહેવાલ મુજબ, દાહોદના ગલાલિયાવાડ ખાતે વીજળી પડવાની ઘટના બની છે, જેમાં ચાર ભેંસના મોત નીપજ્યા હોવાના સમાચાર છે. આ સિવાય ભરૂચ, સુરત, નવસારી, તાપી, ભાવનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. શુક્રવારે ભાવનગરમાં શહેર અને આજુબાજુના વિસ્તારના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સવારથી જ શહેરની નજીકના વિસ્તારમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ છવાયું છે, જેના કારણે હાઈવે પર વિજિબિલિટી ખોરવાઇ છે. જણાવી દઈએ કે, હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.