ઝારખંડ હાઈકોર્ટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના તત્કાલિન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ કથિત રીતે રાહુલ ગાંધીએ અપમાનજનક ટિપ્પણી કરી હતી, જે બદલ નોંધાયેલા કેસની સુનાવણી દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આપવામાં આવેલી રાહતને કોર્ટે યથાવત રાખી છે. કોર્ટે આ મામલે તેમની સામેની કોઈપણ પ્રકારની કાર્યવાહી પર પહેલાથી જ રોક લગાવી દીધી હતી. શુક્રવારે હાઈકોર્ટના જસ્ટિસ અંબુજનાથની કોર્ટે આ મામલે સુનાવણી કરી હતી. કોર્ટે કેસ દાખલ કરનાર નવીન ઝાને લેખિત દલીલો રજૂ કરવા માટે 4 અઠવાડિયાનો સમય આપ્યો.
રાંચીની સિવિલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી
ભાજપના નેતા નવીન ઝા વતી કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ રાંચી સિવિલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ પહેલા નવીન ઝાએ કાનૂની નોટિસ આપીને રાહુલ ગાંધીને અમિત શાહ વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ માફી માંગવા કહ્યું હતું. નવીન ઝાએ રાહુલ ગાંધી દ્વારા માફી ન માંગવા બદલ રાંચી સિવિલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.
અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ કરી હતી ટિપ્પણી
વાસ્તવમાં, આ મામલો વર્ષ 2018નો છે, જયારે કોંગ્રેસના અધિવેશનમાં તત્કાલિન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી સાથે સંબંધિત છે. એ વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસમાં કોઈ હત્યારો રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકતો નથી. કોંગ્રેસીઓ કોઈ હત્યારાનો રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સ્વીકાર કરી શકતા નથી. આવું ભાજપમાં જ શક્ય છે.
નવીન ઝાએ રાહુલ ગાંધીના આ નિવેદન સામે રાંચી સિવિલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી હતી, જેના પર કોર્ટે સંજ્ઞાન લઇ લીધું હતું. રાહુલ ગાંધીએ આ ફરિયાદને રદ્દ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે.
જણાવી દઈએ કે 2018માં 84મું કોંગ્રેસ પૂર્ણ સત્રનું આયોજન માર્ચ મહિનામાં નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં થયું હતું, તે સમયે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું પાર્ટીના અધ્યક્ષ તરીકેનું પ્રથમ પૂર્ણ સત્ર હતું.