આગામી દિવસોમાં હિટવેવની આગાહી: હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સ યોજાઇ, જિલ્લા કલેકટર સહિત અનેક પદાધિકારીઓ ઉપસ્થિત

0
31

ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા રાહત કમિશનર હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને સંભવિત હિટવેવ અંગેની એક વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં સમગ્ર ગુજરાતના કલેકટર , મ્યુનિસિપલ કમિશ્નર , જિલ્લા વિકાસ અધિકારીઓ જોડાયા હતા. આઈએમડીના ડાયરેક્ટર મનોરમા મોહંતી દ્વારા છેલ્લા 10 વર્ષના સૌથી લઘુતમ, સામાન્ય અને મહત્તમ તાપમાનની, હિટવેવનો ક્રાઇટ એરીયા, ગરમ રણ પ્રદેશ, દરિયાઈ વિસ્તાર વગેરેના હીટ વેવ તથા તેમાં સાવચેતી રાખવા વિશે પી.પી.ટી.ના માધ્યમથી જાણકારી અપાઈ હતી. રાહત કમિશનર પટેલએ માનવ આરોગ્યને અસર કરતું એક મુખ્ય પરિબળ હિટવેવ છે તેમ જણાવી હીટ વેવમાં શ્રમિકો, મજૂરો,ખેડૂતો અને વૃધ્ધોને બચાવવા અંગે જિલ્લા કક્ષાએ કરવાની થતી કાર્યવાહી વિષે માર્ગદર્શન આપ્યું હતું. આ વીડિયો કોનફરન્સમાં રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેકટરશ્રી કેતન ઠક્કર, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નિલેશ રાઠોડ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.વીડિયો કોન્ફરન્સ બાદ રાજકોટ કલેક્ટર અરુણ મહેશ બાબુએ સંભવિત હીટ વેવથી લોકોને સાવચેત રહેવા માટેના આયોજન અંગેની મિટિંગ અધિકારીઓ સાથે યોજી હતી. સંભવીત હિટવેવની આગાહી આઈએમડી કરશે. હિટવેવથી બાળકો, વૃધ્ધો, શ્રમિકોના મૃત્યો ન થાય કે લોકો કે પશુઓ આરોગ્યને અસર ન થાય તે માટે વિવિધ પગલાંઓ લેવા કલેકટરએ જણાવ્યું હતું. પાણી, આરોગ્ય સહિતની સુવિધાઓ હાથવગી રાખવા તેમજ ખેતી પાકોને નુકશાન ન થાય તે પણ જોવાની સુચના અધિકારીઓને કલેક્ટરએ આપી હતી.વિવિધ વિભાગોએ હીટ વેવમાં કરવાની થતી કામગીરી તેમજ નાગરિકોને ઉપલબ્ધ કરાવવાની સુવિધાઓ વિષે આ બેઠકમાં લંબાણપૂર્વક ચર્ચા કરાઇ હતી. રાજ્યના તમામ વિભાગોની સરકારી કચેરીઓ કે જ્યાં મોટા પ્રમાણમાં અરજદારો આવતા હોય ત્યા તડકો ન લાગે તેવી બેઠક વ્યવસ્થા ગોઠવવા, પીવાના પાણીની વ્યવસ્થા, પ્રાથમિક સારવાર, 108 ની સગવડ, ગરમીના કારણે સમયમાં ફેરફાર વગેરે જેવી બાબતો ધ્યાનમાં લેવા માટે પણ આ બેઠકમાં પરામર્શ કરાયો હતો.