દેશમાં જે રીતે આગાહી થઈ હતી તે મુજબ ભારે પવન ફૂંકાયા હતા અને મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં રવિવારે વાવાઝોડું ફૂંકાતા મહાકાલ લોકની સપ્તર્ષિઓની 6 મૂર્તિઓ પડીને તૂટી જતા નુકશાન થયું હતું.
મહત્વનું છે કે હજુ ગત વર્ષે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 ઓક્ટોબર 2022ના રોજ ઉજ્જૈનમાં વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિરમાં મહાકાલ લોકનું ઉદ્ઘાટન કર્યું હતુ અહીં સ્થાપિત કરાયેલી આ મૂર્તિઓ 10 થી 25 ફૂટ ઉંચી, લાલ પથ્થર અને ફાઇબર-રિઇનફોર્સ્ડ પ્લાસ્ટિકની બનેલી હતી જે ભારે પવન ફૂંકાતા તૂટી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે મહાકાલ લોકના પ્રથમ તબક્કાનું કામ હમણાં જ પૂર્ણ થયું છે. તેના પર લગભગ 793 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેના બીજા તબક્કાનું કામ હજુ શરૂ થયું નથી.
મધ્યપ્રદેશમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ભોપાલ, ગ્વાલિયર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી છે.
સાગર, છતરપુર, દમોહ, પન્ના, ટીકમગઢ અને નિવારીમાં કરા પડવા સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં પવનની ઝડપ 70 કિમી પ્રતિ કલાક સુધી રહેવાની આગાહી છે.