એક એવા ધારાસભ્ય જેઓને વાંચતા આવડતું નથી પરંતુ છટાદાર ભાષણ આપે છે,આ છે ખાસ કારણ

0
84

રાજકારણમાં જવા માટે ખાસ લાયકાતની જરૂર નથી પડતી આ ફિલ્ડમાં અભણ અને ઉંમરલાયક વ્યક્તિ પણ નેતા બની સેવા કરવા સાથે ઉંચો સરકારી પગાર અને સવલતો મેળવી શકે છે ત્યારે માનીલો કે જ્યારે અક્ષરજ્ઞાન ન હોય ત્યારે નેતા ભાષણ કેવી રીતે આપતા હશે ?કેવી રીતે બધું યાદ રાખતા હશે? ત્યારે આ બધા વચ્ચે કચ્છના આ ધારાસભ્ય ની ગજબની યુક્તિ વિશે જાણવા જેવું ખરું.

અબડાસાના MLA પ્રદ્યુમ્નસિંહ જાડેજા ને ભાજપે 2022ની વિધાનસભા ચૂંટણીમાં અબડાસાની ટિકિટ આપી છે. હવે તેમણે સભાઓને પણ સંબોધિત કરવી પડશે પણ તેઓ માત્ર 4 ચોપડી ભણેલા છે અને લખેલું વાંચી શકતા નથી. તો તેમણે સ્પીચ આપવાના શબ્દોને યાદ રાખવા એક અલગ યુક્તિ શોધી કાઢી છે.

પ્રદ્યુમ્નસિંહ ચોથા ધોરણ સુધી ભણ્યા છે પણ વાંચતા આવડતું નથી જેથી તેઓ કાગળ પરનાં ચિત્રોને જોઈને પોતાના બોલવાના મુદ્દાને યાદ કરી લે છે. આ માટે તેઓ કોરા કાગળ પર ચિત્રો દોરીને કે પછી એ કાગળ પર સ્ટિકર ચોંટાડીને ભાષણના મુદ્દા તૈયાર કરે છે. આ મુદ્દાના આધારે પ્રવચન કરવું તેમના માટે ખૂબ આસાન થઈ જાય છે. પ્રદ્યુમ્નસિંહ વિધાનસભા તેમજ પાર્ટી સંકલન બેઠકમાં પણ આ જ રીતે ભાષણ આપતા હોવાનું જાણવા મળ્યું છે.

પ્રદ્યુમ્નસિંહ પાર્ટીની સભામાં કે સંકલન બેઠકમાં પણ કંઈક આ જ રીત અપનાવે છે. કેન્દ્ર સરકારનો કાર્યક્રમ હોય તો તેઓ સ્પીચના કાગળ પર મોદીજીનો ફોટો લગાવે છે, જ્યારે ગુજરાત સરકાર સંબધિત કાર્યક્રમ હોય તો ભૂપેન્દ્ર પટેલનો ફોટો લગાવે છે. જ્યારે પાર્ટી સંગઠનની બેઠકમાં અનુરૂપ ભાષણ માટે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો ફોટો લગાવીને સંબંધિત મુદ્દા યાદ રાખે છે. તેઓ સમાજના કાર્યક્રમોમાં પણ વિષયને અનુરૂપ ચિત્રોના આધારે સ્પીચ આપે છે.
પ્રદ્યુમ્નસિંહ નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામના વતની છે અને તેમના ગામમાં બે ટર્મ સુધી સરપંચ તેમજ બે ટર્મ સુધી જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિના ચેરમેન અને બે વખત ધારાસભ્ય રહ્યા છે. તેઓ 2017માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડયા હતા અને 9746 મતની લીડથી જીત્યા હતા. જોકે ત્યાર બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી પ્રદ્યુમનસિંહ ભાજપમાં જોડાતાં 2020માં પેટાચૂંટણી થઈ હતી. આમાં તેઓ 36 હજારની જંગી લીડથી જીત્યા હતા. હવે 2022ની ચૂંટણીમાં પણ ભાજપે તેમને ટીકીટ આપી છે.
આમ,ચિત્રો કાગળ ઉપર ચિપકાવી ભાષણ અપાતા આ નેતા નો ખાસ અંદાજ લોકોને પસંદ આવી રહ્યો છે.