છત્તીસગઢના પંખાજુરમાં એક અધિકારીએ ડેમમાં પડેલા મોબાઈલ ફોનને શોધવા માટે લાખો લીટર પાણી વેડફ્યું. ન્હાવા ગયેલા ફૂડ ઈન્સપેક્ટરનો ફોન ડેમમાં પડતાં તેણે સૌપ્રથમ મરજીવોની મદદ લીધી અને સફળતા ન મળી તો તેણે 21 લાખ લીટર પાણી વહાવી દીધું. ત્રણ દિવસ સુધી પંપ ચાલુ રહ્યો અને પાણી આવતું રહ્યું. છેલ્લે મોબાઈલ મળ્યો પણ બગડી ગયો હતો. હવે ફૂડ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અંદાજ મુજબ, છોડવામાં આવેલા પાણીથી 1,500 ખેતરોને સિંચાઈ કરી શકાશે.
વાસ્તવમાં કોયલીબેડાના ફૂડ ઈન્સ્પેક્ટર ખેરકેટ્ટા પરાલકોટ જળાશય ખાતે રજા માણવા ગયા હતા. અહીં નહાતી વખતે અધિકારીનો મોંઘો ફોન પાણીમાં પડ્યો. પાણીમાં પડ્યા બાદ અધિકારીએ ફોન શોધવા માટે 15 ફૂટ સુધી ભરાયેલા જળાશયને ખાલી કરવાનું વિચાર્યું અને પંપ લગાવીને પાણી ઓછું કરવાનું શરૂ કર્યું. પ્રાપ્ત માહિતી અનુસાર, અધિકારીએ અગાઉ ગોતાખોરો અને ગામના લોકોને મોબાઈલ શોધવા માટે રોક્યા હતા પરંતુ મોબાઈલ મળી શક્યો ન હતો. આ પછી જળાશયમાં પંપ સ્થાપિત કરવામાં આવ્યો હતો.
ફોન મળ્યો પણ ક્ષતિગ્રસ્ત
પાણી ઓછું કર્યા બાદ છત્તીસગઢના ફૂડ ઈન્સ્પેક્ટરનો ફોન મળ્યો હતો, પરંતુ પાણીમાં લાંબા સમય સુધી રહેવાના કારણે ફોન કામ કરતું બંધ થઈ ગયું હતું. ફોન બગડી ગયો હોવાનું જણાવવામાં આવ્યું હતું.
30 એચપી પંપ 3 દિવસ સુધી ચાલ્યો
અધિકારીના ડૂબેલા મોબાઈલને શોધવા માટે સતત પ્રયાસો ચાલુ હતા. આ દરમિયાન જળાશયમાંથી પાણી ઉપાડવા માટે ત્રણ દિવસ સુધી 30 હોર્સ પાવર પંપ ચલાવવામાં આવ્યો હતો. વધારાનું પાણી વહી જવાની જાણ સિંચાઈ વિભાગના અધિકારીઓને થતાં તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પંપ બંધ કરાવ્યો હતો. ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. જળાશયના પાણીનો મોટા પ્રમાણમાં વેડફાટ થયો હતો. પંપ બંધ કર્યા બાદ ફરી મોબાઈલ શોધવાનો પ્રયાસ કરાયો હતો અને મોબાઈલ પણ મળી આવ્યો હતો પરંતુ તે બગડી ગયો હતો.