ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરો પર હુમલા અને ખાલિસ્તાન સમર્થકોની વધેલી ચળવળ સામે ભારતે ઉઠાવ્યો વાંધો

0
65

ઓસ્ટ્રેલિયામાં તાજેતરના દિવસોમાં હિન્દુ મંદિરો પર હુમલાની અનેક ઘટનાઓ સામે આવી છે,જેના પર ઓસ્ટ્રેલિયાના કેનબેરા સ્થિત ભારતીય હાઈ કમિશને સખત વાંધો વ્યક્ત કર્યો છે.

ભારતીય હાઈ કમિશને એક નિવેદન જારી કરીને હિંદુ મંદિરો પર હુમલાની ટીકા કરી છે અને ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાન સમર્થકોની વધતી ગતિવિધિઓ પર પણ ચિંતા વ્યક્ત કરી છે.
હાઈ કમિશને કહ્યું છે કે ‘અમે મેલબોર્નમાં ત્રણ હિન્દુ મંદિરોની તોડફોડની સખત નિંદા કરીએ છીએ. આ સ્પષ્ટપણે શાંતિપૂર્ણ અને બહુધાર્મિક ભારતીય ઓસ્ટ્રેલિયન સમાજમાં નફરત અને વિભાજન કરવાનો પ્રયાસ છે.

હાઈ કમિશને કહ્યું કે ‘એવા સંકેતો છે કે ખાલિસ્તાન તરફી તત્વો ઓસ્ટ્રેલિયામાં તેમની પ્રવૃત્તિઓ વધારી રહ્યા છે અને તેમને શીખ ફોર જસ્ટિસ જેવા ઘોષિત આતંકવાદી સંગઠનો અને ઓસ્ટ્રેલિયા બહારની એજન્સીઓ દ્વારા મદદ કરવામાં આવી રહી છે. તાજેતરના સમયમાં તેમાં વધારો થયો છે.

ભારતીય હાઈ કમિશને કહ્યું કે અમે અમારી ચિંતાઓ ઓસ્ટ્રેલિયન સરકાર સાથે શેર કરી છે. આ સાથે, અમે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન, સિડનીમાં યોજાનાર શીખ ફોર જસ્ટિસ સંસ્થાના કથિત જનમત અભિયાનને લઈને ઓસ્ટ્રેલિયાની સરકાર સાથે અમારી ચિંતા પણ શેર કરી છે.

હાઈ કમિશને કહ્યું કે ઓસ્ટ્રેલિયન સરકારને ભારતીય સમુદાયની સુરક્ષા અને તેમની મિલકતોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ ઓસ્ટ્રેલિયન ધરતી પર ભારતની સાર્વભૌમત્વ, સુરક્ષાને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓને મંજૂરી ન આપવા વિનંતી કરવામાં આવી છે.