વલસાડ જિલ્લામાં કપરાડા-ધરમપુરના 174 ગામમાં જળ સંકટ શરૂ થયું છે અને લોકોને પીવાના પાણીના ફાંફાં પડી રહયા છે અહીં પીવાના પાણીની સમસ્યાને લઈ વડાપ્રધાન મોદીના A ફોર આદિવાસી માટેના ડ્રીમ પ્રોજેક્ટના લોકાર્પણ કરાયું હતું પણ તે વાતને 11 માસ વીતી ગયા હોવા છતાં હજી પાણી મળ્યું નથી.
આમ રૂ.586 કરોડ પ્રોજેક્ટ પાછળ ખર્ચ કરવા છતાં સ્થિતિ ઠેરની ઠેર રહી છે.
કપરાડા-ધરમપુરના 174 ગામોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે એ આશયથી કપરાડાના અસ્ટોલ ગામના નામે પાણી યોજના શરૂ કરવામાં આવી હતી. 586 કરોડની આ યોજનાને ગત વર્ષે પ્રધાનમંત્રીએ લોકાર્પણ કરી હતી. જોકે, યોજનાનું નામકરણ જે અસ્ટોલ ગામે રાખવામાં આવી હતી ત્યાં જ હાલ એવી સ્થિતિ છે કે, ડુંગર ફળિયાની મહિલાઓ પીવાના પાણી માટે 1 કિમી ચાલીને જવું પડે છે. કુવાઓ સુકાતા પીવાનુ પાણી ઉનાળામાં મળી રહ્યું નથી. ગામમાં ટાકીઓ છે,પરંતુ નળ સુધી પાણી પહોંચી રહ્યું નથી. લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યાં છે. આમ પાણી યોજના માટે જે ગામના નામથી યોજનાનું અસ્ટોલ નામકરણ થયું ત્યાં જ પીવાના પાણીની કોઇ વ્યવસ્થા ન હોવાનું જણાયું છે.