કર્ણાટકમાં સીએમ પદને લઈને છેલ્લા ચાર દિવસથી બેંગલુરુથી દિલ્હી સુધી અનેક બેઠકો બાદ આખરે સિદ્ધારમૈયા કર્ણાટકના આગામી સીએમ નકકી થઈ ચૂક્યા છે અને આજે રાહુલ ગાંધી બપોરે 1 વાગ્યે આ અંગે જાહેરાત કરશે.
ડીકે શિવકુમાર પાસે નાયબ મુખ્યમંત્રીની સાથે પાવર અને સિંચાઈ અને રાજ્ય અધ્યક્ષના બે વિભાગ હશે.
શપથ ગ્રહણ સમારોહ 18 મેના રોજ યોજાશે જેમાં બંને નેતાઓ 10 મંત્રીઓ સાથે શપથ લેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સિદ્ધારમૈયા રેસમાં સૌથી આગળ હતા.
આ અગાઉ રવિવારે યોજાયેલી કોંગ્રેસ વિધાયક દળની બેઠકમાં તમામ ધારાસભ્યોએ ખડગેને નેતાની પસંદગી કરવાની સત્તા આપી હતી. આ પછી કોંગ્રેસ અધ્યક્ષે નિરીક્ષકોને તમામ ધારાસભ્યો સાથે વન ટુ વન વાત કરવાનું કહ્યું હતું. જેમાંથી 80થી વધુ ધારાસભ્યોએ સિદ્ધારમૈયાની તરફેણમાં મતદાન કર્યું હતું.
સિદ્ધારમૈયા કર્ણાટકમાં કોંગ્રેસના સૌથી મોટા નેતાઓમાંથી એક છે. શરૂઆતથી જ તેઓ સીએમ પદ માટે ડીકે શિવકુમાર કરતા વધુ મજબૂત દાવેદાર માનવામાં આવતા હતા. સિદ્ધારમૈયાએ તેમની રાજકીય કારકિર્દીમાં 12 ચૂંટણી લડી હતી જેમાંથી તેમણે 9માં જીત મેળવી હતી. સિદ્ધારમૈયા સીએમ રહી ચૂક્યા છે. આ પહેલા તેઓ 1994માં જનતા દળની સરકારમાં કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી હતા. તેમની વહીવટી પકડ ગણવામાં આવે છે. તેમની સામે ભ્રષ્ટાચારનો કોઈ કેસ પણ નથી.
સિદ્ધારમૈયા 2013થી 2018 સુધી કર્ણાટકના સીએમ હતા. આ દરમિયાન તેણે ટીપુ સુલતાનને કર્ણાટકમાં હીરો તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો. આ સ્થિતિમાં મુસ્લિમ સમુદાયમાં તેમનો સારો પ્રભાવ છે. સિદ્ધારમૈયા કુરુબા સમુદાય માંથી આવે છે. તે કર્ણાટકમાં ત્રીજો સૌથી મોટો સમુદાય છે. એટલું જ નહીં સિદ્ધારમૈયાને રાજ્યના સૌથી મોટા ઓબીસી નેતા માનવામાં આવે છે