કેનેડાના ટોરોન્ટોમાં મંગળવારે કેટલાક અસામાજિક તત્વોએ BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કર્યા પછી દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. આ ઘટના બાદથી ત્યાંના હિંદુ સમુદાયમાં રોષ છે અને સરકાર પાસે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. કેનેડામાં ભારતીય હાઈ કમિશને સ્વામિનારાયણ મંદિરની તોડફોડની નિંદા કરી છે અને કેનેડિયન સત્તાવાળાઓને આ ઘટનાની તપાસ કરવા વિનંતી કરી છે.
ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યએ ખેદ વ્યક્ત કરી કહ્યું કે આ પહેલા પણ મંદિરોને નુકસાન પહોંચાડવાના પ્રયાસો થયા છે જે ખુબજ નિંદનીય છે.
આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા, બ્રેમ્પટન સાઉથના સાંસદ સોનિયા સિદ્ધુએ ટ્વીટ કર્યું કે અમે બહુસાંસ્કૃતિક અને બહુ-ધાર્મિક સમુદાયમાં રહીએ છીએ જ્યાં દરેક વ્યક્તિ સુરક્ષિત અનુભવવાને પાત્ર છે. જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ.
બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને આવા હુમલા અંગે દુઃખ વ્યક્ત કરી તેમણે ટ્વીટ કર્યું કે કેનેડાના જીટીએમાં આ પ્રકારની નફરતને કોઈ સ્થાન નથી. જવાબદાર ગુનેગારોને વહેલી તકે સજા મળે તે જરૂરી છે.