કેન્દ્રીય આરોગ્ય વિભાગે કોરોના મામલે કહ્યુ થઈ જાઓ એલર્ટ ; બીજી તરફ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું ‘ચિંતા જેવું નથી!’

0
32

ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ વધતા તંત્ર એલર્ટ થઈ ગયું છે અને કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી ગુજરાત સહિત છ રાજ્યોમાં આરોગ્ય વ્યવસ્થા ઉભી કરવા તાકીદ કરવામાં આવી છે.

જોકે,ગુજરાતના અધિક મુખ્ય આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું હતું કે કોરોના મામલે તંત્ર એલર્ટ છે અને તેના ભાગરૂપે કેન્દ્ર પાસેથી આગાઉથી જ ડોઝની માંગણી કરી લેવામાં આવી છે અને હોસ્પિટલોને પણ સતર્ક રહેવા સૂચના આપી દેવામાં આવી છે.

જોકે,બીજી તરફ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ મામલે આજે વિધાનસભામાં જણાવ્યું હતું કે હાલમાં જોવા મળી રહેલા H3N2 વાયરસને કોરોના સાથે સરખાવવાની જરૂર નથી.

H3N2 સીઝનલ ફ્લુ છે અને તેની સારવાર વર્ષોથી ઉપલબ્ધ છે. આ રોગથી સંક્રમિત દર્દીની સારવાર માટેની ઓસેલ્ટામિવીર દવા કારગત સાબિત થાય છે. જેનો 2,74,400 જેટલો જથ્થો રાજ્યમાં ઉપલબ્ધ છે. રાજ્યમાં 111 સરકારી લેબ અને 60 ખાનગી લેબમાં હાલ H1N1 સીઝનલ ફ્લુના ટેસ્ટીંગની સુવિધા પણ છે અને ઇમરજન્સી સંજોગોમાં 200 થી વધુ લેબમાં ટેસ્ટીંગ સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય તે પ્રકારની તૈયારી પણ સરકાર પાસે છે.