મોદી અટક મામલે ટિપ્પણી કર્યા બાદ માનહાનિના કેસમાં રાહુલ ગાંધીએ લોકસભાની સભ્યતા ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે રાહુલ બાદ હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ બજરંગ દળને રાષ્ટ્રવિરોધી ગણાવવા બદલ આવા જ માનહાનિના કેસમાં ફસાયા છે.
પંજાબની સંગરુર કોર્ટે 100 કરોડ રૂપિયાના માનહાનિના કેસમાં સોમવારે તેમને સમન્સ મોકલ્યું છે.
સંગરુર સિવિલ જજ (સિનિયર ડિવિઝન) રમનદીપ કૌરની કોર્ટે ખડગેને 10 જુલાઈએ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.
ખડગે પર આ કાર્યવાહી હિંદુ સુરક્ષા પરિષદ અને બજરંગ દળ હિંદના સંસ્થાપક હિતેશ ભારદ્વાજની અરજી બાદ કરવામાં આવી છે
કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં હિતેશ ભારદ્વાજે કહ્યું હતું કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ બજરંગ દળની તુલના રાષ્ટ્ર વિરોધી શક્તિઓ સાથે કરી હતી. હિતેશના કહેવા પ્રમાણે, ખડગેએ કહ્યું હતું કે જ્યારે પણ કોંગ્રેસની સરકાર આવે છે ત્યારે બજરંગ દળ અને તેના જેવા અન્ય રાષ્ટ્ર વિરોધી સંગઠનો સમાજમાં નફરત ફેલાવે છે.
ભારદ્વાજે કહ્યું, ‘જ્યારે મેં જોયું કે મેનિફેસ્ટોના પેજ નંબર 10 પર, કોંગ્રેસે બજરંગ દળની તુલના રાષ્ટ્ર વિરોધી સંગઠનો સાથે કરી હતી અને વચન આપ્યું હતું કે જો તે ચૂંટણી જીતશે તો તેના પર પ્રતિબંધ લગાવશે. આ પછી મેં કોર્ટનો સંપર્ક કર્યો.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બજરંગ બલીનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાનું વચન આપ્યું છે.
બજરંગ દળને બદનામ કરવાનો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. VHPના ચંદીગઢ યુનિટે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને કાનૂની નોટિસ મોકલીને માનહાનિ માટે 100 કરોડ રૂપિયા ચૂકવવા કહ્યું હતું.