પોરબંદર સહિત રાજ્યભરમાં ઉનાળાની ઋતુનો પ્રારંભ થયો છે. તો હવે ખેડૂતોને પણ ઉનાળુ પાકને લઇને પીયતની જરૂરિયાત રહેતી હોય છે. ત્યારે બરડા પંથકના ખેડૂતોની રજૂઆતને ધ્યાને રાખી પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયાના પ્રયાસોથી વર્તુ-રની ડાબા કાંઠાની કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
પોરબંદર જિલ્લામાં શિયાળુ પાકની લણણી કરવામાં આવી રહી છે. ખેડૂતો પોતાનો પાક ઉપાડી ખુલ્લી બજાર કે ટેકાના ભાવે વેચાણ કરી રહ્યાં છે. હાલ ઉનાળાની ઋતુની શરૂઆત થઇ છે. આગામી દિવસોમાં ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરશે. પરંતુ ઉનાળુ પાકને લઇને પાણીની ખૂબજ જરૂરિયાત રહે છે. બરડા પંથકના ગામડાઓમાં વસતા ખેડૂતોએ પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયા અને ભાજપના આગેવાનોને રજૂઆત કરવામાં આવી હતી. ઉનાળાની સિઝનને લઇ વર્તુ-ર ડાબા કાંઠાની કેનાલમાં પાણી છોડવામાં આવે. જે અંતર્ગત ગુરૂવારે કેનાલમાં પાણી છોડવામાં આવતા નવા નીરની આવકથી ખેડૂતોએ વધામણા કર્યા હતા. કેનાલમાં છોડવામાં આવેલ પાણી પીયત માટે ખૂબ ઉપયોગી નિવડશે. કારણ કે પાકને જરૂરિયાત પ્રમાણે પાણી આપવામાં આવે તો તેનું ઉત્પાદન પણ એજલું જ સારૂ થાય છે. ડાબા કાંઠાની કેનાલમાં પાણીની આવક થતા આ કેનાલ છલોછલ થઇ છે. બરડા પંથકના ખેડૂતોએ પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયા, ભાજપના સિનીયર આગેવાન સહિતના અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.