ગાંધીનગર: ગાઢ ધુમ્મસના કારણે લોકોએ હિલ સ્ટેશનનો અનુભવ કર્યો, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને હાલાકી

0
15
 
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ફરી એકવાર માવઠું, કરા અને ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારમાં શુક્રવારે પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. ત્યારે પાટનગર ગાંધીનગરમાં પણ શુક્રવારે સવારે અચાનક વાતાવરણમાં પલટો આવતા ધુમ્મસની ચાદર પથરાઈ હતી. ધુમ્મસના કારણે ગાંધીનગરમાં લોકો હિલ સ્ટેશન જેવો નજારો અનુભવ કરી રહ્યા હતા. 
 
માહિતી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શુક્રવારે સવારે ગાંધીનગરમાં મોટાભાગના વિસ્તારમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું હતું. ગાઢ ધુમ્મસના કાણે વિઝિબિલિટી ઓછી થતા વાહનચાલકોને મુશ્કેલી થઈ હતી. જ્યારે ધુમ્મસના કારણે નગરજનો ગાંધીનગરમાં કોઈ હિલ સ્ટેશને આવ્યા હોય તેવો અનુભવન કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદના કારણે લોકો ઉનાળાની ઋતુમાં પણ ઠંડકનો અનુભવ કરી રહ્યા છે. જણાવી દઈએ કે શુક્રવારે સવારે રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે કેટલાક વિસ્તારમાં કરા પડ્યા હોવાની ઘટના બની છે.  
 
રાજ્યમાં રોગચાળો વધ્યો
 
વાતાવરણમાં પલટાના લીધે રાજ્યમાં રોગચાળો પણ વધ્યો છે. શરદી, ઉધરસ અને તાવના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આ સાથે કોરોના, H3N2 અને H3N1ના કેસ પણ વધી રહ્યા છે. હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી લાઇન જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ કમોસમી વરસાદના લીધે ઊભા પાકને નુકસાન થતા ખેડૂતો પર સંકટ સર્જાયું છે. હવામાન વિભાગે પણ આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ અને માવઠું પડવાની આગાહી કરી છે. જ્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે લોકોને આ બેવડી ઋતુમાં સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવા અને સાવેચત રહેવા અપીલ કરી છે.