ગાંધીનગર: ગૃહમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ઉઠાવ્યો મહિલા અનામતનો મુદ્દો તો ઋષિકેશ પટેલે કહ્યું- ભાજપ પહેલા…

0
41

ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ફરી એકવાર મહિલા અનામતનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે લોકસભા અને વિધાનસભામાં 33 ટકા મહિલા અનામતને મંજૂરી આપવા માગ કરી હતી. આ સાથે ગેનીબેને કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય બંને જગ્યાએ ભાજપની સરકાર છે આથી મહિલા અનામતને સરળતાથી મંજૂરી મળી રહેશે. ગેનીબેન ઠાકોરના આ નિવેદન બાદ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ પ્રતિક્રિયા આપી છે. 

‘મહિલાઓના મુદ્દાઓની ચિંતા સતત ભાજપ સરકાર જ કરે છે’

માહિતી મુજબ, મહિલા અનામતના મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ પહેલા કોંગ્રેસની જ સરકાર હતી. તેમણે વધુમાં કહ્યું કે, પીએમ મોદી અને ભાજપ સરકારના નેતૃત્ત્વ હેઠળ ગ્રામ્ય સ્તરે મહિલાઓને અનામત રૂપી હક મળ્યો છે. આ સાથે તેમણે દાવો કર્યો કે, ભાજપ સરકારે જ નોકરી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને અનામત રાખવાની શરૂઆત કરી હતી. ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે, મહિલાઓના મુદ્દાઓની ચિંતા સતત ભાજપ સરકાર જ કરે છે.

‘પીએમ મોદી મહિલાઓને પ્રોત્સાહિત કરવાની વાત કરતા હોય તો અનામત આપવી પડે’

જણાવી દઈએ કે, કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોરે ગૃહમાં મહિલા અનામતનો મુદ્દો ઉછાળી રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, UPA સરકારના રાજમાં રાજ્યસભામાં રાજીવ ગાંધી મહિલા અનામતનો ખરડો લાવ્યા હતા. આ સાથે તેમણે કહ્યું કે, જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલા સશક્તિકરણ અને મહિલાઓના વિકાસની વાતો કરતા હોય તો તેમણે મહિલા અનામતની માગને પણ ન્યાય અપાવવો જોઇએ. તેમણે કહ્યું કે, જો પીએમ મોદી મહિલાઓને પ્રોત્સાહિત કરવાની વાત કરતા હોય તો મહિલાઓને અનામત આપવી પડે. તેમણે કહ્યું કે, અત્યારે કેન્દ્રમાં બહુમતી વાળી ભાજપ સરકાર છે, ત્યારે મહિલાઓને અનામત આપે. હું દેશની મહિલાઓ વતી અનામત માટે પીએમ મોદીને રજૂઆત કરું છું.