ગાયો કચરો ખાવા મજબૂર અને ડબ્બામાં પુરાય છે! ગૌચરની જમીનો હડપ કરનારા સામે પગલાં ભરાતા નથી! રાજકોટમાં જ 712 વીઘા ગૌચરની જમીન ઉપર લુખ્ખાઓનો કબ્જો

0
48

આજે ગાયો માટે મુશ્કેલ સ્થિતિ ઉભી થઇ છે, ગાયો ને ચરવા માટેની જમીનો ખાઈ જવાનું પાપ કરનારા સામે પગલાં ભરવામાં આવતા નથી અને ગાયો ને ડબ્બામાં પૂરવામાં આવતી હોવાની વાત સામે ગૌ રક્ષકોમાં આક્રોશ છે.

અગાઉ રાજાશાહી વખતે ગાયોને ચરવા માટે જમીન દાનમાં આપવામાં આવતી હતી અને અનેક વીર ગાયો માટે શહીદ થયા છે પણ આજે ગૌચર છીનવાઈ જતા ગાયો કચરો ખાવા મજબૂર બની છે આ બધા વચ્ચે રાજકોટ જિલ્લાની 712 વીઘા ગૌચરની જમીન 306 ભૂમાફિયાઓએ કબ્જો કર્યો હોવાની વાત સામે આવી છે.

રાજકોટમાં હાલની સ્થિતિએ કુલ 17 ગામની 712 વીઘા ગૌચરની જમીન 306 ભૂમાફિયાઓએ કબ્જો કરી લેતા ગાયોના મોઢાનો કોળિયો છીનવાઈ ગયો છે.
આ વાત રાજકોટ જિલ્લા પંચાયતની જમીન દબાણ શાખાના રિપોર્ટમાં નોંધાયેલી છે.

ગાયોના ભાગની જમીન ખાઈ જનારાઓ સૌથી વધુ ગોંડલ તાલુકામાં જોવા મળ્યા છે. ગોંડલ તાલુકાના 5 ગામની 550 વીઘા ગૌચરની જમીન 183 ભૂમાફિયાઓએ લઈ લીધી છે એટલે કે જિલ્લાનું કુલ જેટલું દબાણ છે તેમાંથી 70 ટકા માત્ર ગોંડલના માથાભારે શખ્સો દ્વારા થયું છે.

છેલ્લા એક માસની વાત કરવામાં આવે તો રાજકોટ તાલુકાના એક ગામમાં 21 ભૂમાફિયા દ્વારા 56.25 વીઘા ગૌચરમાં દબાણ કર્યું છે. જ્યારે ઉપલેટા પંથકના એક ગામમાં ગૌચરની જમીનમાં દબાણ થયું છે.

જસદણ તાલુકાના 3 ગામમાં 6 લોકો દ્વારા ગૌચરની જમીન ઉપર દબાણ કર્યું છે, તો કોટડાસાંગાણીના એક ગામમાં પણ દબાણ થયા છે. જ્યારે લોધિકા તાલુકાના પણ એક ગામમાં 20 દબાણકર્તા દ્વારા ગૌચરની જમીન ઉપર દબાણ કરાયું છે. તેવી જ રીતે જેતપુરના 2 ગામમાં 69 લોકોએ ગૌચરની જમીનમાં દબાણ કર્યું છે. જ્યારે ઉપલેટાના 2 ગામમાં 4 લોકો અને પડધરીના 1 ગામમાં 1 વ્યક્તિ દ્વારા ગૌચરની જમીન ઉપર દબાણ કરાયાનું રાજકોટ જિલ્લા પંચાયતની જમીન દબાણ શાખાએ જણાવ્યું છે.

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 712 વીઘા ગૌચરની જમીન ઉપર દબાણ થયું હોવા છતાં આવા ભૂમાફિયાઓ સામે પગલાં ભરવામાં આવતા નથી.
લેન્ડ ગ્રેબિંગનો કાયદો હોવા છતાં ભૂમાફિયાઓ સામે પગલાં ભરવા તંત્ર વામણુ સાબિત થયું છે.