2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે જોરદાર બાજી મારવા યુવાઓ ઉપર ફોક્સ કર્યું છે અને ગુજરાતની 26 લોકસભા સીટ પાંચ લાખથી વધારેના માર્જિનથી જીતવા માટે સીઆર પાટીલે રણનીતિ ઘડવાની શરુ કરી દીધી છે.
અભિયાન 30 મેથી શરુ થશે અને એના અંતર્ગત ભાજપ ગુજરાતના એક એક ઘર અને એક-એક વ્યક્તિ સાથે મળશે અને પાછલા નવ વર્ષમાં સરકારે કરેલા દરેક કામોને જનતા સુધી પહોંચાડશે. દરેક જિલ્લાઓમાં અલગ-અલગ કાર્યક્રમો થશે. ઉપરાંત સ્થાનિક નાગરિકો સાથે વાર્તાલાપ, વિશિષ્ટ વ્યક્તિઓનો જનસંપર્ક, પ્રબુદ્ધ નાગરિકોના સંમેલન તેમજ વિશાળ જનસભાઓ પણ થશે. આ ઉપરાંત દેશભરમાં 51 જનસભાઓ પણ યોજાશે
જનસંપર્ક ઉપરાંત ભાજપે બુથ સશક્તિકરણ અભિયાન પણ શરુ કર્યું છે
બુથ સશક્તિકરણમાં જે બૂથમાં 30 લોકોની સમિતિ બને છે એ સમિતિની અંદર પણ મોટા ભાગે યુવાઓ જોડાય તેવી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા ગાંધીનગર સ્થિત કમલમમાં જિલ્લાવાર બેઠકો યોજવામાં આવી રહી છે સાથેજ ગુજરાતભરમાં યોજાતા કાર્યક્રમોમાં ભાગ લઈ રહયા છે અને કાર્યકર્તાઓને માર્ગદર્શ આપી રહયા છે.
કાર્યકર્તાઓ સાથેની બેઠકમાં સોશિયલ મીડિયા ઉપર વધુ ધ્યાન આપવા જણાવાઈ રહ્યું છે જેમાં વોટ્સઅપ ઉપરાંત સરલ એપ, નમો એપ, ઈન્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક આ પાંચ એપ દ્વારા પાર્ટીના કાર્યો તેમજ લોક સંપર્ક કેળવવા જણાવાઈ રહ્યું છે.
સરલ એપ દરેક કાર્યકર્તાઓએ ફરજિયાત ડાઉનલોડ કરવા જણાવાયુ છે જેથી કરીને વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રીના કાર્યક્રમો અને સરકારની યોજનાઓની માહિતી ક્ષણોમાં કાર્યકર્તાઓ સુધી પહોંચે તે રીતે એપ પર વધારે ધ્યાન અપાઈ રહ્યું છે.
18થી 25 વર્ષના યુવાઓ કે જે પહેલી વાર મત આપવાના છે. તેઓ ભાજપના કાર્યો થી માહિતગાર થાય તે રીતે ભાજપમાં જોડવા માટે પણ સંપર્ક શરૂ થયા છે.
આમ,ભાજપે અત્યારથી લોકસભા જંગ માટે તૈયારીઓ શરૂ કરી છે.