ગુજરાતમાં ડ્રગ્સ મામલે અત્યંત કડકાઈથી કાર્યવાહી કરવામાં આવી રહી છે : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

0
32

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ડ્રગ્સ મામલે અત્યંત કડકાઈથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડ્રગ્સની હેરાફેરી સદંતર બંધ કરવા એક્શન પ્લાન બનાવ્યો છે અને યુવાધનને નશાથી દૂર રાખવા શક્ય તમામ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ગુજરાત પોલીસે માત્ર નાના પેડલરો જ નહિ, ભારતભરમાં ડ્રગ્સ સપ્લાય કરનાર પાકિસ્તાનના મોટા ડ્રગ્સ માફિયાને પણ પકડ્યા છે. એટલું જ નહિ, ઓડિસ્સા અને ગુજરાત સરકારે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આવા મોટા માફિયાની સંપત્તિ જપ્ત કરી દાખલારૂપ કામગીરી પણ કરી છે.

વિધાનસભા ગૃહમાં રાજકોટ અને દાહોદ જિલ્લામાંથી પકડાયેલા ડ્રગ્સ મુદ્દે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તા.૩૧મી ડિસેમ્બર ૨૦૨૨ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા ૨૬ દરોડાઓ પાડી ૪૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ દરોડામાં ૯.૪૧ લાખનો ગાંજો, રૂ.૪.૫૦ લાખના પોષડોડા, રૂ. ૧૬ હજારનું હેરોઇન અને રૂ.૨૫.૧૮ લાખનું મેફેડ્રન ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. એવી જ રીતે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી પોલીસ દ્વારા ૨૦ સફળ દરોડા પાડીને ૩૫ આરોપીઓની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં રૂ.૪૨.૬૮ લાખનો ગાંજો તેમજ રૂ.૨૫ હજારનું ચરસ જપ્ત કરવામાં આવ્યું છે. નોંધનીય બાબત એ છે કે, રાજકોટમાં પકડાયેલા આરોપીઓ આ પ્રકારના ડ્રગ્સની નાની મોટી ડીલેવરી કરતાં સ્થાનિક પેડલર હોવાનું ખુલ્યું છે. પરંતુ દાહોદ જિલ્લામાંથી પકડાયેલા આરોપીઓ ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડતા હોવાનું પોલીસ તપાસમાં ધ્યાને આવ્યું છે. દાહોદ જિલ્લામાંથી પોલીસ દ્વારા ૯ દરોડા પાડીને ૧૫ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રૂ.૫૬.૦૬ લાખનો ગાંજો, રૂ.૫૧.૯૩ લાખના અફીણના ઝીંડવા (પોષ ડોડા) અને રૂ. ૨.૭૪ લાખના લીલા-સૂકા અફીણ પોષ ડોડા તથા અફીણના છોડ પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યું છે.

ડ્રગ્સ સામે રાજ્યમાં જનજાગૃતિ અભિયાન અંગે માહિતી આપતા મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યભરમાં પોલીસ, સ્થાનિક સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થાઓ, અગ્રણીઓ અને સામાજિક-ધાર્મિક આગેવાનો દ્વારા શાળા કોલેજો તથા જાહેર સ્થળોએ સેમિનાર સહિતના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. રાજ્યનું યુવાધન ડ્રગ્સના રવાડે ન ચડે તથા ડ્રગ્સ એડિક્ટ બનેલા યુવાનો આ નશામાંથી ત્વરિત મુક્તિ મેળવે તે માટે રાજ્યમાં રીહેબિલેશન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં ડ્રગ્સથી થતું નુકશાન અને વિપરીત અસરોથી યુવાધનને અવગત કરવામાં આવે છે તે ઉપરાંત જે યુવાઓ નશો કરી રહ્યા છે તેમને આ નશાથી દુર કરવા માટે રિહેબિલેશન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે જ્યાં નિષ્ણાતો દ્વારા કાઉન્સિલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત આગામી દિવસોમાં ૫૦ હજાર યુવાનોને જોડીને “say no to drugs” કાર્યક્રમ અંતર્ગત મહારેલીનું આયોજન કરી જનજાગૃતિ કરવામાં આવનાર છે. એટલું જ નહિ, વિધાનસભા ખાતે માનનીય અધ્યક્ષશ્રી દ્વારા ડ્રગ્સ જનજાગૃતિ માટે ફાળવવામાં આવનાર એક કલાકના વિશેષ કાર્યક્રમમાં પણ રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ડ્રગ્સ મુદ્દે કરેલી કામગીરી તેમજ યુવાધનને ડ્રગ્સથી બચાવવા લેવાયેલા પગલાં ઉપરાંત જનજાગૃતિ માટે શું કાર્યવાહી કરી શકાય અને યુવાધનને બચાવી શકાય તે સહિતના વિષયોને પણ આવરી લેવામાં આવ્યા છે. જેમાં પક્ષ અને વિપક્ષને સાથે રાખીને તમામના સૂચનો ઉપરાંત સહકાર થકી ડ્રગ્સ નાબૂદીની દિશામાં આગળ વધવામાં આવશે.