ગુજરાતમાં નકલી PSI બાદ હવે PMOના નકલી અધિકારી કિરણ પટેલ ઝડપાયા ! સરકારી લાભો મેળવ્યા છતાં તંત્રને ખબરજ ન પડી!!!

0
53

કિરણ પટેલે PMOનો અધિકારી હોવાનું કહી ઝેડ પ્લસ સિક્યોરિટી, બુલેટપ્રૂફ એસયુવીની સુવિધાઓ પણ મેળવી લઈ અત્યાર સુધી અધિકારી તરીકે તંત્રમાં ઘૂસ મારતા તંત્રની ગોપનીયતા સામે સવાલો ઉઠ્યા છે.

ગુજરાતમાં ગજબનું તંત્ર છે અને તાજેતરમાં જ એક નકલી પીએસઆઈ છેક કરાઈ એકેડેમી માં ઘુસી ગયો અને તંત્રને ખબર પણ ન પડી ત્યાંજ હવે પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ (PMO)ના નકલી અધિકારી કિરણ પટેલ પકડાતા ભારે હોબાળો મચ્યો છે.

આ મહાશયને ગુજરાતમાં તો કોઈ ઓળખી શક્યું નહીં, પણ તેને જમ્મુ-કાશ્મીરમાં પકડી લેવાતા હવે ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્કવોર્ડ(ATS) તેની તપાસ માટે શ્રીનગરમાં છે.
આ બધા વચ્ચે નવાઈની વાત તો એ છે કે ગુજરાત ATSના કેટલાક અધિકારીઓ જ કિરણ પટેલના સોશિયલ મીડિયા ફ્રેન્ડ હોવાની વાત સામે આવતા આશ્ચર્ય ફેલાયું છે.

પોતાને હાઈ પ્રોફાઈલ અધિકારી જણાવી તંત્રમાં ઘૂસી જઈ દમ મારનાર કિરણ પટેલ મૂળ અમદાવાદના ઈસનપુરનો રહેવાસી હતો. હાલમાં એક વર્ષ પહેલાં જ તેણે પોશ સિંધુભવન રોડ પાસે બંગલો લીધો હતો અને ફેમિલી સાથે ત્યાં રહેવા ગયો હતો.

કિરણ પટેલે PMOનો અધિકારી હોવાનું કહી ઝેડ પ્લસ સિક્યોરિટી, બુલેટપ્રૂફ એસયુવીની સુવિધાઓ પણ મેળવી લઈ અત્યાર સુધી અધિકારી તરીકે તંત્રમાં ઘૂસ મારતા તંત્રની ગોપનીયતા સામે સવાલો ઉઠ્યા છે.

દરમિયાન ગુજરાત AAP દ્વારા કિરણ પટેલનું ભાજપ સાથે કનેક્શન કાઢ્યું હતું અને ટ્વિટર પર તેના સભ્યપદ નંબર સહિતની વિગતો જાહેર કરતા ભારે હોહા મચી હતી.
ગુજરાત આપે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, BJP ગુજરાતના નેતા કિરણ પટેલ PMO ઓફિસર બનીને જનતાના ટેક્સના પૈસા વેડફી રહ્યા છે. તેનું ભાજપ સભ્યપદ નં. 1000130975. પોતાને PMO ઓફિસર કહીને કાશ્મીર જાય છે, સરકારી સુરક્ષા અને સુવિધાઓનો લાભ લે છે.

જમ્મુ-કાશ્મીરમાં પોતાને PMOનો અધિકારી જણાવીને ફરતા કિરણ પટેલ ઝડપાતા ભારે હોબાળો મચ્યો છે અને તપાસ ચાલુ છે.