ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણી જીતવા ભાજપ સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારશે ! ‘આપ’અને કોંગ્રેસે વચ્ચે પણ જબરજસ્ત મુકાબલો !

0
55

ગુજરાતમાં ચૂંટણીઓ દરમિયાન વધુને વધુ બેઠકો કબ્જે કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, જે પી નડ્ડા, સ્મૃતિ ઈરાની સહિતના 40 સ્ટાર પ્રચારકો આગામી દિવસોમાં ગુજરાત ધમરોળશે.

નોંધનીય છે કે ગત ટર્મમાં એટલે કે 2017માં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ રહ્યો હતો તે સમયે હંમેશા 3 આંકડામાં જીતતા ભાજપને 99 બેઠક મળી હતી ત્યારે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસ બાદ AAP પણ એક્ટીવ થઈ જતા ત્રિપાંખિયો જંગ છે.
હાલમાં શહેરી વિસ્તારમાં આવેલી બેઠકો પર ભાજપનું રાજ છે જ્યારે ગામડાઓ પર કોંગ્રેસનું વર્ચસ્વ અને  AAPની મજબૂત ઈનિંગથી કોંગ્રેસ માટે પણ પડકાર છે.
ગુજરાતમાં 5 રાજ્યોના કાર્યકરો ચૂંટણી પ્રચારની જવાબદારી નિભાવી રહ્યા છે. ભાજપ ચૂંટણીમાં ઢીલી નીતિ રાખવા માંગતુ નથી અને સ્ટાર પ્રચારકો કામે લાગશે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ગુજરાતમાં ચૂંટણીમેદાનમાં સફળતા હાંસલ કરવાના પ્રયાસમાં આમ આદમી પાર્ટી ભાજપને કેટલાક એવા મુદ્દે ‘પ્રતિક્રિયા’ આપવા મજબૂર કરી રહી છે, જે ક્યારેક ‘ભાજપના પરંપરાગત મુદ્દા’ હતા.

પાછલા ઘણા મહિનાથી મોદી-શાહની માફક દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં વધુ સક્રિય છે ત્યારે હવે કોંગ્રેસ પણ સક્રિય થઈ છે અને ચૂંટણી ઢંઢેરો બહાર પાડી જનતાને આકર્ષવા વચનો ની લ્હાણી શરૂ કરી છે.

ગુજરાતની ચૂંટણી આ વખતે દર વખતની ચૂંટણી કરતાં કંઇક અલગ, રસાકસીભરી અને કશ્મકશભરી બની રહેવાની પૂરી સંભાવના છે કારણ કે, આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંંખિયો જંગ ખેલાવાનો છે. બીજીબાજુ, ચૂંટણીના આ ત્રિપાંખિયા જંગને લઇ ગુજરાતના મતદારોમાં ભારે ઉત્કંઠા અને ઉત્તેજનાનો માહોલ છવાયો છે ત્યારે સસ્પેન્સ ઉભું થયું છે કે કોણ કેટલી બેઠક ઉપર બાજી મારશે ?