ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદ અને કરા પડવાની ઘટના વચ્ચે હજુપણ વરસાદની આગાહી છે ત્યારે દેશમાં અન્ય રાજ્યોમાં પણ ભારે પવન સાથે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાન તેમજ છત્તીસગઢમાં વીજળીના કડાકા ભડાકા સાથે કરા અને 30-40 કીમીની ઝડપે પવન સાથે વરસાદ પડશે.
જ્યારે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગંગા પશ્ચિમ બંગાળ, ઓડિશામાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવા સાથે કરા સાથે વીજળી અને વરસાદની સંભાવના છે.
જ્યારે પૂર્વ મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઝારખંડમાં વીજળી અને તેજ પવન (30-40 kmph) સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે કહ્યું કે આજે એટલે કે 19 માર્ચે મધ્ય, પશ્ચિમ ભારત અને દક્ષિણ દ્વીપકલ્પમાં ભારે વરસાદ પડી શકે છે. IMD અનુસાર, 20 માર્ચ સુધી ઘણા રાજ્યોમાં આંધી, વીજળી અને તેજ પવન સાથે વરસાદ પડી શકે છે
હવામાન વિભાગે દેશના મોટાભાગના રાજ્યો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે, ઉત્તર પૂર્વના રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 19 થી 22 માર્ચ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં અલગ-અલગ સ્થળોએ અને 20-22 માર્ચ દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
આ બધા વચ્ચે હરિયાણાના ગુરુગ્રામમાં ભારે વરસાદ પડી રહ્યો છે.