ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં SBIના ATMમાં આગ લાગી હતી. આગ થોડી જ વારમાં વિકરાળ બની હતી. એટીએમમાં રાખેલા લગભગ 28 લાખ રૂપિયા પણ બળીને રાખ થઈ ગયા હોવાનું કહેવાય છે. માહિતી મળતા ફાયર બ્રિગેડની ગાડીએ આગ પર કાબુ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જોત જોતામાં આગ ફાટી નીકળી
મળતી માહિતી મુજબ આ ઘટના ગોલા ગોકરનાથમાં બની હતી. જણાવવામાં આવ્યું છે કે બુધવારે એસબીઆઈના એટીએમમાંથી અચાનક આગ લાગી હતી. આજુબાજુના દુકાનદારોએ આગને જોતા જ તેને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ સતત વધી રહી હતી અને સમગ્ર ATM કેબિનમાં ફેલાઈ ગઈ હતી. લોકોએ આ અંગે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
8મી મેના રોજ એટીએમમાં પૈસા મુકાયા હતા
માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ રાહતકર્મીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર ઓફિસર સુરેન્દ્ર સિંહ શિંદેએ જણાવ્યું કે આગમાં ATM સહિત અન્ય મશીનો પણ બળીને ખાખ થઈ ગયા છે. બીજી તરફ, એક મીડિયા રિપોર્ટ અનુસાર, SBIના ડેપ્યુટી મેનેજર રમાશંકરે જણાવ્યું કે, 8 મેના રોજ ATMમાં 28,17,500 રૂપિયા નાખવામાં આવ્યા હતા. તપાસ બાદ ખબર પડશે કે કેટલો વ્યવહાર થયો અને કેટલા રૂપિયા બળી ગયા.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો
બીજી તરફ ATMમાં આગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આગ કેટલી ભીષણ હતી. બેંકના અધિકારીઓ, પોલીસ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ આગના ચોક્કસ કારણની તપાસ કરી રહ્યા છે.