અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાત બાદ ચીન રોષે ભરાયું છે અને જેવા નેન્સી અમેરિકા પરત ફર્યા કે તરતજ ચીને તાઈવાનની આસપાસ સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે.
ચીન અને તાઈવાન વચ્ચે વિવાદ વધી રહ્યો છે,અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાતથી ઉશ્કેરાયેલું ચીન હવે નેન્સી પરત ફરતાજ વધુ આક્રમક બની ગયું છે.
ચીને તાઈવાનને ઘેરવા માટે તેની સરહદની આસપાસ ઘેરાબંધી શરૂ કરી દીધી છે.
એવા પણ સમાચાર છે કે ચીની સેનાએ તાઈવાનની આસપાસ સૈન્ય કાર્યવાહી શરૂ કરી દીધી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચીને તાઈવાન બોર્ડર પર યુદ્ધ જહાજ, ફાઈટર જેટ અને મિસાઈલોને યુદ્ધાભ્યાસ માટે તૈનાત કર્યા છે. અધિકૃત મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે 7 ઓગસ્ટ સુધી છ અલગ-અલગ વિસ્તારોમાં સૈન્ય અભ્યાસ પણ કરશે જે તમામ દિશાઓથી તાઈવાન ટાપુની આસપાસ છે.
તાઇવાન એ દક્ષિણપૂર્વ ચીનના દરિયાકાંઠે લગભગ 100 માઇલ દૂર સ્થિત એક ટાપુ છે.
તાઇવાન પોતાને એક સાર્વભૌમ રાષ્ટ્ર માને છે. તેનું પોતાનું બંધારણ અને પોતાની સરકાર છે જે તાઇવાનમાં લોકો દ્વારા ચૂંટાયેલી લોકશાહી સરકાર છે પણ ચીનની સામ્યવાદી સરકાર તાઇવાનને તેના દેશનો ભાગ હોવાનો દાવો કરે છે.
ચીન આ ટાપુ પર કબજો મેળવવા માંગે છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તાઇવાન એક સમયે ચીનનો ભાગ હોવાનું કહેતા આવ્યા છે.
અમેરિકા પણ આ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ચીનના દાવપેચને જોતા અમેરિકાએ તેના યુદ્ધ જહાજ USS રોનાલ્ડ રીગનને તાઈવાન નજીક ફિલિપાઈન્સ સમુદ્રમાં મોકલ્યું છે.
ચીનના દાવપેચ અંગે તાઈવાને કહ્યું કે અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ. પરંતુ અમે સંઘર્ષ નથી ઈચ્છતા. બીજી તરફ અમેરિકાએ પણ ચીનને નેન્સી પેલોસીની મુલાકાતને સંકટમાં ન ફેરવવાની ચેતવણી આપી છે.