ચોટીલા ડુંગર પર રોપ-વે પ્રોજેકટના વિવાદમાં થયેલી જાહેરહિતની અરજીની સુનાવણીમાં ગુ
અરજદાર તરફથી એવી ધારદાર દલીલ કરવામાં આવી હતી કે, ‘ટેન્ડર વિના 700 કરોડનું રોપ-વેના પ્રોજેકટની ફાળવણી ‘મોરબી પુલ’ જેવી હોનારત સર્જશે. આ કામનો કોન્ટ્રાકટ ટેન્ડર કે અન્ય પ્રક્રિયા વિના સરકાર આપશે તો મોટી હોનારત સર્જાઈ શકે છે. મોરબીના પુલની હોનારતમાં ‘રોપ-વે’નો જ મુદો છે. છતાંય સરકાર છેલ્લા 11 વર્ષથી એક એવી કંપનીને બારોબાર કોન્ટ્રાકટ આપવા માંગે છે, જેને આ પ્રકારના પ્રોજેકટ કે કામનો કોઈ પણ જાતનો અનુભવ નથી.
….એકટીંગ ચીફ જસ્ટીસ એ.જે.દેસાઈ અને જસ્ટીસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે આ કેસની વધુ સુનાવણી આગામી મંગળવારના રોજ મુકરર કરી છે. આ મામલે રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદીએ એવી દલીલ કરી હતી કે, ‘દેશમાં ખૂબ ઓછી કંપનીઓ છે, જેઓ રોપ-વેના નિર્માણનું કામ કરે છે. જ્યાં સુધી કાયદાની જોગવાઈઓનો સવાલ છે, ત્યાં સુધી બોમ્બે (હવે ગુજરાત) એરિયલ રોપ-વે એકટ હેઠળ આવા કામ માટે કોઈ પણ ટેન્ડર મંગાવવાની જરૂર હોતી નથી.’ ત્યારે અરજદાર તરફથી દલીલ કરાઈ હતી કે, ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ગ્લોબલ ટેન્ડર મંગાવાયા હતા. પાવાગઢ, ગીરનાર તમામ સ્થળોએ ટેન્ડર મંગાવ્યા બાદ જ રોપ-વેનું બાંધકામ કરાયું હતું.’ જો કે, એડવોકેટ જનરલે દલીલ કરી હતી કે, ‘પાવાગઢ, સાપુતારા, ગીરનાર આ તમામ બોમ્બે એરિયલ રોપ-વે એકટ હેઠળ જ રોપ-વે બનાવ્યા છે.’ અરજદારે કહ્યું હતું કે, ‘જે કંપનીને સરકાર કોન્ટ્રાકટ આપવા માંગે છે, તે પ્રતિ વ્યક્તિ રોપ-વે માટે 230 રૂપિયા ચાર્જ રાખવાની છે અને 25થી 30 વર્ષ સુધી આ કોન્ટ્રાકટ ચાલે તો 700 કરોડ રૂપિયાનો સમગ્ર પ્રોજેકટ થાય છે.’ અરજદાર શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ-ચોટીલા તરફથી એવી દલીલ કરાઈ હતી કે, ‘રોપ-વે બનાવવાનું કામ અત્યંત ગંભીર પ્રકારનું છે અને અનેક પ્રકારની ટેકનીકલ તજજ્ઞતાની જરૂર હોય છે. વર્ષે અહીં 25 લાખ ભાવિક ભકતો દર્શનાર્થે આવે છે. તેથી સીડીની સાથે જો અહીં રોપ-વે પણ હોય તો ભકતોને સરળતા થશે એવો પ્રસ્તાવ સરકારને ખુદ અરજદાર ટ્રસ્ટે જ કર્યો હતો. 2008માં ટ્રસ્ટના પ્રસ્તાવના અનુસંધાને કામની શરૂઆત કરીને પ્રતિવાદી કંપનીને જાહેર હરાજી કે ટેન્ડર વિના રોપ-વેના કામનો કોન્ટ્રાકટ આપવાનો યેનકેન પ્રકારે પ્રયત્ન થઈ રહ્યો છે.