છેલ્લા એક મહિનાથી કોર્પોરેશન ડે.મેયરની જગ્યા ખાલી: આગામી સોમવારે ડે.મેયરની વરણી કરવામાં આવે તેવી સંભાવના

0
22

રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ડો.દર્શિતાબેન શાહે ગત 20મી ફેબ્રુઆરીના રોજ ડે.મેયર પદેથી રાજીનામું આપી દીધું હતું. છેલ્લા એક મહિનાથી કોર્પોરેશન ડે.મેયરની જગ્યા ખાલી પડી છે. દરમિયાન શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી દ્વારા ભાજપના તમામ 68 કોર્પોરેટરોના વર્તમાન હોદ્દા સાથેની નામાંવલી પ્રદેશ હાઇકમાન્ડ સમક્ષ રજૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યુ છે. આગામી સોમવારે મહાપાલિકામાં જનરલ બોર્ડની બેઠક મળશે. જેમાં ડે.મેયરની વરણી કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે. બોર્ડના મુખ્ય એજન્ડામાં ડે.મેયરની વરણી માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી નથી. પરંતુ અરજન્ટ બિઝનેશ દરખાસ્ત મૂકી વરણી કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પરથી ડો.દર્શિતાબેન શાહ તોતીંગ લીડ સાથે ચુંટાઇ આવ્યા હતાં. એક વ્યક્તિ, એક હોદ્દાના પક્ષના નિયમ અનુસાર તેઓએ ડે.મેયર પદેથી ગત મહિને સ્વેચ્છીક રાજીનામું આપી દીધું હતું. છેલ્લા એક મહિનાથી ડે.મેયરનું પદ ખાલી પડ્યું છે. આગામી સોમવારે કોર્પોરેશનમાં ડે.મેયરની વરણી કરી દેવામાં આવે તેવી સંભાવના હાલ જણાઇ રહી છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીએ જણાવ્યું હતું કે ભાજપના તમામ 68 કોર્પોરેટરોની નામાંવલી પ્રદેશ હાઇકમાન્ડને મોકલી દેવામાં આવી છે. જેમાં તમામના બાયોડેટા સાથે હાલ ક્યા કોર્પોરેટર મહાપાલિકામાં ક્યો હોદ્દો ભોગવે છે. તેનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. તેઓએ એવો વિશ્ર્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા આગામી સોમવાર સુધીમાં રાજકોટના ડે.મેયરની વરણી કરવા માટે કોઇ નિર્ણય લઇ લેવામાં આવે તેવી શક્યતા હાલ જણાઇ રહી છે. સંભવત: શનિ કે રવિવારે સ્થાનિક હોદેદારોને ગાંધીનગર ચર્ચા-વિમર્શ માટે પણ બોલાવવામાં આવી શકે છે.