જમીન પડાવી લેતી ટોળકીથી અમને જોખમ : ખેડૂતોનું આવેદન ખેડાના દાદાના મુવાડાની જમીન વિવાદનું ભૂત ફરી ધુણ્યું આવા ઈસમો વિરૂધ્ધની કાર્યવાહી ઝડપથી કરવામાં આવે તેવી માંગ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં દાદાના મુવાડા ગામે દોઢ વર્ષ પહેલા રાતોરાત ખેડૂતોની જાણ બહાર જમીનો વેચાણ થયા બાબતે વિવાદ થયો હતો.જે મામલે હાલ કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યા છે. પરંતુ સમગ્ર કૌભાંડમાં જેમના વિરૂધ્ધ કાર્યવાહી ચાલી રહી છે, તેમના વિરુદ્ધમાં જ દસક્રોઈ પોલીસ મથકમાં અપહરણનો ગુનો નોંધાતા ગ્રામજનો ફફડી ઉઠ્યા છે. ભવિષ્યમાં તેમના પરિવારજનો સાથે આવી કોઈ ઘટના ન ઘટે તેને લઈ ચિંતિત બન્યા છે. જિલ્લા અધિક કલેક્ટરને આપેલ આવેદનપત્રમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે લસુન્દ્રાના કેટલાક રેવન્યુ સર્વે નંબર પૈકી ની જમીનોના ખોટી રીતે પાવર ઓફ એટર્ની થી રજીસ્ટર વેચાણ દસ્તાવેજ થઈ ગયા હતા. જેમાં દૂધ મંડળી, આંગણવાડી, તથા મંદિરો પણ હતા. રેકોર્ડના બીજા ક્રમમાં ખેડૂતોના ગણોત હક્કે નામો હાવ છતાં ખોટી રીતે દસ્તાવેજ થઈ ગયા હોઈ જેતે સમયે ગ્રામજનો દ્વારા દીવાની તેમજ ફોજદારી કાર્યવાહી કરેલી છે. પરંતુ તેઓ રાજકીય વગ ધરાવતા હોઈ સદર ઈસમો સામે કોઈ કાર્યવાહી થઈ રહી નથી. તાજેતરમાં દશક્રોઈ પોલીસ મથકે ચૌહાણ અભયસિહ, જનક ઠાકોર, કુંદન સિંહ ચૌહાણ, દિલીપસિંહ ચૌહાણ અને તેમના મળતીયાઓ સામે જમીન મામલે જ 18ના અપહરણનો ગુનો દાખલ થયો છે. ત્યારે આજ ટોળકીએ ગામની જમીનો હડપ કરી લેવાનું કૃત્ય આચરેલ હોઈ ગ્રામજનોના જીવને પણ જોખમ ઉભું થાય તેમ છે. જેતી આવા ઈસમો સામેની કાર્યવાહી ઝડપથી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જોકે ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતુ કે ગ્રામજનોની જાણ બહાર જે 3 કે 4 સર્વે નંબરોના દસ્તાવેજ થયા હતા. તે તમામ કાર્યવાહીના ભાગરૂપે રદ્દ કરવામાં આવે છે. જેનો રાજ્ય કક્ષાએ રિપોર્ટ પણ કરાયો છે. ગ્રામજનો રાજકીય હાથા બની રહ્યા હોવાની ચર્ચા દાદાના મુવાડા ગામે બનેલ ઘટના દોઢ વર્ષ જૂની છે. પરંતુ દસક્રોઈ તાલુકાના હંસપુરા ગામે બનેલ ઘટના બાદ ફરી એકવાર આ મુદ્દાને હવા અપાઇ છે. ભાજપ જ બે જુથો આ મામલે એકબીજા સામે પડ્યા હોવાની પણ ચર્ચા છે.
Latest News
- Advertisement -