સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ એક ફ્રીલાન્સ પત્રકાર અને ભૂતપૂર્વ નૌકાદળ કમાન્ડરની કથિત રીતે સંરક્ષણ બાબતો સાથે સંબંધિત સંવેદનશીલ માહિતી ગેરકાયદેસર રીતે એકત્રિત કરવા અને વિદેશી ગુપ્તચર એજન્સીઓ સાથે શેર કરવા બદલ ધરપકડ કરી છે. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે ફ્રીલાન્સ પત્રકાર વિવેક રઘુવંશી વિરુદ્ધ એફઆઈઆર નોંધ્યા પછી, સીબીઆઈએ મંગળવારે જયપુર અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર) માં રઘુવંશી અને તેના નજીકના સહયોગીઓ સાથે જોડાયેલા 12 સ્થળોએ દરોડા પાડ્યા.
રઘુવંશીનું નામ સંરક્ષણ અને વ્યૂહાત્મક બાબતો માટેના અમેરિકન પોર્ટલની વેબસાઇટ પર તેના ભારતીય સંવાદદાતા તરીકે સૂચિબદ્ધ છે. એજન્સીએ રઘુવંશી અને પૂર્વ નૌકાદળ કમાન્ડર આશિષ પાઠક વિરુદ્ધ ઓફિશિયલ સિક્રેટ એક્ટની કલમ 3 (જાસૂસી) અને ભારતીય દંડ સંહિતાની કલમ 120-બી (ગુનાહિત કાવતરું) હેઠળ કેસ નોંધ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે દરોડા દરમિયાન ઘણા સંવેદનશીલ દસ્તાવેજો મળી આવ્યા હતા અને કાયદાકીય તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.