મુકેશ અંબાણીની રિલાયન્સ જીઓ તેની 4જી સર્વિસ લોન્ચ કયર્નિા ત્રણ મહિનાથી પણ ઓછા સમયમાં પાંચ કરોડથી વધારે ગ્રાહકો મેળવીને દેશની સૌથી મોટી બ્રોડબેન્ડ ઓપરેટર બની ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ જીઓએ દર મિનિટે એક હજાર ગ્રાહકો અને રોજના છ લાખ ગ્રાહકો મેળવવાનો નવો રેકોર્ડ સ્થાપ્યો છે. એરટેલને પાંચ કરોડ ગ્રાહકો મેળવતાં 12 વર્ષ લાગ્યા હતા. જ્યારે વોડાફોન અને આઈડિયાને 13-13 વર્ષ લાગ્યા હતા. 4જી માર્કેટમાં નવી પ્રવેશેલી રિલાયન્સ જીઓએ પાંચ સપ્ટેમ્બરે તેની કોમર્શિયલ સર્વિસ લોન્ચ કરી હતી અને પ્રથમ મહિનાના અંતે તેના 1.6 કરોડ ગ્રાહકો હતા. રિલાયન્સનો ગ્રાહકબેઝ ભારતી એરટેલ કરતાં પાંચમાં ભાગનો છે. ઓકટોબરના અંગે એરટેલના 26.26 કરોડ ગ્રાહકો હતા. સીઓએઆઈના છેલ્લા આંકડા મુજબ વોડાફોનના 20.19 કરોડ અને આઈડિયાના 18 કરોડ ગ્રાહકો હતા. સૂત્રોનો દાવો છે જીઓ ભારતની સૌથી મોટી ડિજિટલ સર્વિસ ઓપરેટર બની ગઈ છે. કારણ કે તે સૌથી વધુ મોબાઈલ બ્રોડબેન્ડ યુઝર્સને સેવા પૂરી પાડે છે. જ્યારે એરટેલ છેલ્લા છ વર્ષ કરતાં વધારે સમયથી 4.1 કરોડ 3જી અને 4જી ગ્રાહકોને સંયુકત રીતે સેવા પુરી પાડી રહી છે. ફકત 4જીને જ જોવામાં આવે તો જીઓનો ગ્રાહક બેઝ એરટેલ કરતાં પાંચ ગણો છે.