જૂના જળવાતાં નથી ને નવા બગીચા પાછળ લખલૂંટ ખર્ચ !

0
25

પોરબંદર શહેરમાં પાલિકા દ્વારા નવા બગીચા પાછળ અઢળક ખર્ચા કરવામાં આવી રહ્યાં છે. પરંતુ ક્યાંક તેની જાળવણીના અભાવે દયનીય હાલતમાં જોવા મળી રહ્યાં છે. પોરબંદરના સામાજીક કાર્યકર દિલીપભાઇ મશરૂએ જણાવ્યું હતું કે રાજાશાહી રાણીબાગના ડેવલોપમેન્ટ પાછળ તંત્રને કોઇ રસ ન હોય તેમ તેની જાળવણી કરવામાં આવતી નથી. ઉપરાંત પેરેડાઇઝ સિનેમા નજીકનો બગીચો નવો બનાવવામાં આવ્યો છે પરંતુ લોકાપર્ણના વાંકે ખંઢેર હાલતમાં ફેરવાયે તેવી દહેશત જોવા મળી રહી છે. ઉપરાંત શહેરના અન્ય બગીચાઓની પણ યોગ્ય જાળવણી થતી નથી તેવા પણ આક્ષેપો દિલીપભાઇએ કર્યા હતા. ઉપરાંત બગીચાઓની જાળવણીની જેની જવાબદારી છે તે અધિકારીઓ પણ જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવી પણ ચર્ચાઓ જોવા મળી રહી છે. 
પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરીજનો પાસેથી અલગ અલગ વેરાની વસુલાત કરવામાં આવે છે. ત્યારબાદ નાગરીકોને સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. પરંતુ પાલિકા લાખો રૂપિયા બગીચાની પાછળ ખર્ચા કરી રહી છે. પાછળથી તેની જાળવણી જ કરવામાં આવતી નથી તેવા સણસણતા આક્ષેપો દિલીપભાઇ મશરૂએ કર્યા છે. લોકોને સારી સુવિધા મળી રહે તેવા આશયથી પાલિકાનું તંત્ર નવા બગીચાઓ બનાવી રહી છે. પરંતુ તેની જાળવણી ક્યારે તેવા પણ સવાલો શહેરીજનો પુછી રહ્યાં છે. પોરબંદરના બગીચાઓની વાત કરીએ તો રાજાશાહી રાણીબાગ આજે પણ જાળવણીના અભાવે ખંઢેર બની ગયું છે. આ બગીચાની અંદરની લોનની ઘાસ પણ નાશવંત થઇ હોય તેવુ દેખાય છે. આ ઉપરાંત ફૂવારાઓ પણ બંધ હાલતમાં છે અને કેટલીક જગ્યાએ તો મોટી મોટી દિવાલો પર તિરાડો જોવા મળી રહી છે તો પાલિકા દ્વારા ચોપાટીની અંદર બનાવવામાં આવેલ બગીચાની હાલત પણ દયનીય જોવા મળી રહી છે. બગીચાની ફરતે ફેન્સીંગ લગાવવામાં આવી હતી તે પણ જોવા મળતી નથી. આ ઉપરાંત બાળકોને રમવાના સાધનો પણ દયનીય હાલતમાં જોવા મળી રહ્યાં છે તો બીજી તરફ પેરેડાઇઝ વિસ્તારમાં નવો બગીચો બનાવવામાં આવ્યો છે. આ બગીચાની ફરતે કચરાઓના ઢગલાઓ અને ગંદકી નજરે પડી રહી છે. આ ઉપરાંત કમલાબાગ જે શહેરની મધ્યે આવેલું જ્યાં સૌથી વધુ લોકોની અવર જવર રહે છે. ત્યાં અંદર રોઝ ગાર્ડન આવેલ છે. આ રોઝ ગાર્ડનની અંદર લાખોનો ખર્ચ કરી ફૂવારો કે જે શહેરમાં આવેલા અન્ય ફૂવારા કરતા અલગ રીતે આકર્ષિત બને તેવો બનાવવામાં આવ્યો હતો. પરંતુ અત્યારે આ બગીચાની અંદર આવેલો આ ફૂવારો પણ બંધ હાલતમાં છે. પોરબંદરમાં પાલિકાના તંત્ર દ્વારા નવા બગીચાઓતો બનાવવામાં આવે છે પરંતુ તેની જાળવણી કરવામાં આવતી નથી. આ ઉપરાંત સામાજીક કાર્યકરે એવા પણ આક્ષેપો કર્યા હતા કે પોરબંદર શહેરી વિસ્તારમાં જ્યાં બગીચાની કોઇ જરૂર નથી તેવા મુખ્ય માર્ગ એમ.જી. રોડ ઉપર પણ બગીચો ખડકી દઇ નાગરીકોને ફૂટપાથ ઉપર ચાલવું બંધ કર્યું છે. આ રીતે પાલિકાનું તંત્ર બગીચાઓ પાછળ ખર્ચ કરે તે છે પરંતુ તેની જાળવણી કરવામાં આવતી નથી તેવા આક્ષેપો સામાજીક કાર્યકરે કર્યા હતા.