ભરૂચથી સુરત અને સુરતથી દહીસર વચ્ચેના રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલા ટોલનાકા પર ગેરકાયદેસર રીતે વસૂલ કરાતા ટોલ ટેક્સ મુદ્દે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને હાઈકોર્ટે જાહેરહિતની અરજી કરતા સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ મુદ્દે નેશનલ હાઈવે ઓથોરિટી સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી હોવાની વિગતો સામે આવી છે.
અરજદારની માગ છે કે આ ટોલનાકા પર ગેરકાયદેસર રીતે વસૂલાતા ટેક્સને બંધ કરાવવામાં આવે.
આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.
અરજદારના વકીલની રજૂઆત હતી કે, આ નેશનલ હાઈવે પરના ટોલનાકા પર ટોલ ટેક્સ ઉઘરાવવાની મુદત વીતી હોવાછતાં અહીં ગેરકાયદેસર રીતે વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે.
નિયમ મુજબ, વાસ્તવિક ખર્ચની વસૂલાત બાદ રસ્તાની જાળવણીના ખર્ચ પેટે ૪૦ ટકા સુધીની ૨કમ જ વસુલી શકાય છે. જો કે, આ બંને જગ્યા પર નિયમોનો ભંગ કરવામાં આવતો હોવા ઉપરાંત રોજના હજ્જારો વાહન ચાલકો પાસેથી ગેરકાયદે ટોલ ટેક્સ વસૂલાતો હોવાની રજૂઆત થઈ હતી.
જે મામલે હાઈકોર્ટે આ મુદ્દે નેશનલ હાઈવે ઓથોરિટી સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે જેની વધુ સુનાવણી 11 એપ્રિલના રોજ હાથ ધરાશે.