તમારા કામનું / મજૂરોને પણ દર મહિને મળશે 10 હજાર રૂપિયા પેન્શન? મોદી સરકારે સંસદમાં આપ્યો જવાબ

0
46

APY Rules: કેન્દ્ર સરકાર દ્વારા ગત દિવસોમાં અટલ પેન્શન યોજના (Atal Pansion Yojna) માં ફેરફાર કરવામાં આવ્યા હતા. 1 ઓક્ટોબરથી થયેલા ફેરફારો હેઠળ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરનારી કોઈપણ વ્યક્તિ અટલ પેન્શન યોજનામાં યોગદાન આપી શકશે નહીં. ત્યારથી ચર્ચા થઈ રહી હતી કે આ યોજના હેઠળ પેન્શનની રકમ વધવાની છે. આ સંદર્ભમાં પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા નાણાં મંત્રાલયને ભલામણ પણ કરવામાં આવી હતી. હવે સરકાર તરફથી પણ જવાબ આવ્યો છે.

પેન્શન રકમમાં કોઈપણ પ્રકારનો વધારો નથી થયો

સરકાર દ્વારા આપવામાં આવેલા જવાબમાં આવા કોઈપણ પ્લાનને નકારી કાઢવામાં આવ્યો છે, જેમાં અટલ પેન્શન યોજના હેઠળ પેન્શનની રકમ વધારવાનો પ્રસ્તાવ છે. કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી ભગવત કરાડ (Bhagwat Karad) એ જણાવ્યું છે કે, અટલ પેન્શન યોજના હેઠળ પેન્શનની રકમમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં ભાગવત કરાડ (Bhagwat Karad) એ જણાવ્યું હતું કે, પીએમ મોદીની આગેવાની હેઠળની સરકારે અટલ પેન્શન યોજના હેઠળ પેન્શનની રકમ ન વધારવાનો નિર્ણય કર્યો છે.

ખાતાધારકો પર થશે સીધી અસર

ભાગવત કરાડ (Bhagwat Karad) એ જણાવ્યું હતું કે, જો સરકાર પેન્શનની રકમ વધારશે તો તેની સીધી અસર ખાતાધારકો પર પડશે. તેમણે જણાવ્યું હતું કે, પેન્શનની રકમ વધારવાથી એકાઉન્ટ હોલ્ડર્સ દ્વારા કરવામાં આવેલા રોકાણના હપ્તામાં પણ વધારો થશે. આવી સ્થિતિમાં તેમના પર વધારાનો બોજ પડશે. આપને જણાવી દઈએ કે, APYમાં ગ્રાહકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને PFRDA દ્વારા અટલ પેન્શન યોજના હેઠળ પેન્શન વધારવા માટે સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો.

1,000 થી લઈ 5,000 રૂપિયા સુધીના પેન્શન સ્લેબ

આપને જણાવી દઈએ કે, સરકારે આ યોજના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો માટે શરૂ કરી હતી. હાલમાં, સ્કીમમાં રોકાણ કરવા માટે 1,000 રૂપિયાથી 5,000 રૂપિયા સુધીના 5 પેન્શન સ્લેબ છે. તેને વધારીને 10 હજાર રૂપિયા કરવાની માગ છે. જોકે, સરકારે આવું કોઈ પગલું ભરવાનો ઈન્કાર કર્યો છે. નિયમો મુજબ, 18 વર્ષથી 40 વર્ષની વચ્ચેની કોઈપણ વ્યક્તિ (ઈનકમ ટેક્સ પેયર્સ સિવાય) સરકારની આ પેન્શન યોજનામાં જોડાઈ શકે છે અને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 1000 રૂપિયાથી 5000 રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકે છે.