દ.ગુજરાતમાં બાય રોડ જવું અઘરું :- કામરેજ,ભરૂચ,અંકલેશ્વર હાઇવે ઉપર વર્ષોથી સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાનો ઉકેલ કોણ લાવશે ?

0
32

સુરતના કામરેજ નજીકથી ટ્રાફિકની શરૂઆત થઈ જાય છે અને ભરૂચ અને અંકલેશ્વરમાં નેશનલ હાઇવે ઉપર ટ્રાફિકજામની વર્ષો જૂની સમસ્યા કોણ સોલ્વ કરશે ? તે સવાલ જનતા વર્ષોથી કરી રહી છે.
વડોદરાથી સુરત તરફ જવું હોયતો આ ટ્રાફિકની યાદ આવતાં જ મૂડ ખરાબ થઈ જાય કે યાર મોટો ટોલ ચૂકવીને પણ તૂટેલા રોડ અને ટ્રાફિક જામમાં ફસાઈ જવાનો ડર એટલો હાવી થઈ જાય કે વાહન ટ્રાફિક માંથી ક્યારે નીકળશે ? આ રૂટ ઉપર વર્ષોથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરી રહયા છે.

હવેતો રાજપીપળા ચોકડી, વાલિયા ચોકડી, નિલેશ ચોકડી, સહીત નવજીવન ચોકડી સુધી વાહનોની લાંબી કતારો જાણેકે રોજનું થઈ ગયું છે.

ખાસ કરીને વડોદરાથી સુરત તરફ જતી લેનમાં ટ્રાફિકજામની સમસ્યા વિકટ બની છે. અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે.
ક્યારેક વડોદરા તરફ જતો ટ્રેક તો ક્યારેક સુરત તરફ જતા ટ્રેક પર ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. રોજ 5 થી 7 કિલોમીટર સુધી વાહનો કતાર જોઈ ઇમરજન્સી પહોંચવું મુશ્કેલ થઈ પડ્યું છે કારણ કે 3 થી 4 કલાકનો સમય ટ્રાફિકજામમાં ફસાઈ જવાય છે. હાઇવે પર વાલિયા ચોકડી ઉપર હવા મહેલ નજીક હાઇવેને જોડતા માર્ગ પરથી હાઇવે પર પ્રવેશતા આમલાખાડી બ્રિજપણ હવે સાંકડો પડી રહયો છે.

ટ્રાફિકજામમાંથી જલદી બહાર નીકળવા માટે કાર સહિતના નાના વાહનો રોંગ સાઇડ કે રોડની સાઇડ પરથી પસાર થતાં હોવાથી ટ્રાફિકજામ વધુ વકર્યો છે. આ ઉપરાંત વાલિયા ચોકડી નજીક ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. ચોકડી પર બનેલા બ્રિજ પર ચકકાજામની અસર ચોકડી નીચે પણ જોવા મળે છે. ચોકડી નીચે પણ ઉપરથી વાહનો આવી જતા ચોકડી પર જુના નેશનલ હાઇવે નંબર 8 અને વાલિયા સ્ટેટ હાઇવે તરફ જતા માર્ગ પર વાહનોની કતાર લાગી જાય છે. અંકલેશ્વરમાંથી રોજના હજારો વાહનોની અવરજવર રહેતી હોય છે ત્યારે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે રાજ્યના સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક કોઈ એકશન પ્લાન ઘડી કાઢવામાં આવે તો જનતા આ મુશ્કેલીમાંથી બહાર આવે તેમ છે અને આ કામ ક્યારે થશે તે કહેવું મુશ્કેલ બની ગયું છે કારણ કે તંત્રના બહેરા કાને આ વાત અથડાતી નથી અને લોકોનો મરો થઈ રહ્યો છે.

નેશનલ હાઇવે 48 ઉપરનો અહીંનો વિસ્તાર મહત્તમ ટ્રાફિકની સમસ્યાઓના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ચોમાસા દરમ્યાન રસ્તાના ધોવાણ, જર્જરિત પૂલ અને અકસ્માતોના કારણે ભરૂચ નજીક ટ્રાફિક જામના દ્રશ્યો વર્ષોથી જોવા મળે છે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામની સમસ્યાએ વાહન ચાલકોને પરેશાન છે. લાંબા ટ્રાફિક જામમાં સેંકડો વાહનો ફસાઈ જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.