ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપમાં વધુને વધુ આગેવાનો જોડાવાનો સિલસિલો યથાવત છે. હાર્દિક પટેલ હવે ભાજપમાં છે ત્યારે પાસના 1500 જેટલા કાર્યકરો હવે કોંગ્રેસ છોડીને આજે ભાજપમાં જોડાવાના છે અને હવે ભાજપનું કમળ ખીલવવા કામે લાગશે તેજ રીતે ભાજપથી નારાજ જોવા મળતા કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત પણ કમલમમમાં આજે કેસરીયો ખેસ ધારણ કરવાના છે તેઓ પણ ભાજપ નું કમળ ખીલવવા માટે કામે લાગવાના છે.
આમ,ભાજપથી નારાજ આગેવાનો અને કાર્યકરો હવે ભાજપમાં જોડાઇ રહયા છે અને ભાજપ પોતાની રણનીતિમાં સફળ રહ્યું છે.
ભાજપે કોંગ્રેસીઓ માટે પોતાની પાર્ટીના દરવાજા ખુલ્લા મૂકી દીધા છે જેમાં દેશના તમામ રાજ્યોમાંથી જેટલા પણ ધારાસભ્ય પોતાનો પક્ષ છોડ્યો છે એમાંથી 40% ભાજપમાં જોડાયા છે અને તેમાંથી સૌથી વધારે પ્રમાણ કોંગ્રેસી ધારાસભ્યોનું છે જેમણે બીજા પક્ષમાં જવા માટે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. પાંચ વર્ષના સમયગાળા દરમિયાન લગભગ 433 જેટલા ધારાસભ્યોએ પોતાની પાર્ટી છોડી છે જેમાંથી 42% કોંગ્રેસના છે અને તેની સામે ભાજપ છોડનાર ધારાસભ્યનું પ્રમાણ ફક્ત ચાર ટકા છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 21 ધારાસભ્યોએ કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે અને તેમાં પણ ફરી ચૂંટણી લડીને 14 જેટલા ઉમેદવારો તો જીત્યા પણ છે જ્યારે સાત ધારાસભ્યોને હારનો સામનો કરવો પડ્યો છે. મંત્રીઓની વાત કરીએ તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા એવા રાઘવજી પટેલ એ કેબિનેટ મંત્રી છે તો બીજી તરફ બ્રિજેશ મેરજા અને જીતુ ચૌધરી રાજ્યકક્ષાના મંત્રી છે.
આમ,ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા ઠેરઠેરથી સંખ્યાબંધ આગેવાનો ભાજપમાં જોડાઈ રહયા છે અને તે સિલસિલો ચાલુ રહ્યો છે.