પાકિસ્તાનમાંથી સ્થળાંતર કરી ગુજરાતના રાજકોટમાં રહેતા 13 વ્યક્તિઓને ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કલેકટર કચેરી ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
વર્ષો બાદ ભારતીય નાગરિકતા મળતા આ તમામ પાકિસ્તાનીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભારતીય નાગરિકતા આપવા બદલ તમામ નાગરિકોએ જિલ્લા વહીવટી તંત્ર, રાજ્ય અને કેન્દ્ર સરકાર તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો, આ તકે ગૃહમંત્રીએ સૌને આવકાર્યા હતા.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ “કેમ છો બધા” કહીને સૌને આવકારી જણાવ્યું હતું કે, ભારત સરકાર અને ગુજરાત સરકાર સ્થળાંતર કરીને આવેલા નાગરિકોને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા માટે પ્રતિબધ્ધ છે અને તેઓના રોજિંદા જીવનમાં આવતા પ્રશ્નોનું નિરાકરણ પણ કરશે, જેના ભાગરૂપે 13 નાગરિકોને નાગરિકતાપત્ર અપાઇ છે. આ સાથે મીઠાઈ થી મોઢું મીઠું કરાવી તેમણે ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરતા બધા લોકોને શુભકામનાઓ પાઠવી હતી.