પુત્રજન્મ માટે પરેશાન કરતા પતિના ત્રાસમાંથી પરિણીતાને મુક્તિ અપાવતી ૧૮૧ અભયમ
‘પુત્રીઓ જન્મવા પાછળ તું જ જવાબદાર છે, મારે પુત્ર જ જોઈએ’ એવી અઘટિત માંગણી કરીને સતત ત્રાસ આપતા પતિની સાન ઠેકાણે આવી
મહિલાઓને અભય બનાવતી ૧૮૧ અભયમ હેલ્પલાઈન સંકટ સમયની સાંકળ સમાન બની છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતી પરિણીતાને ચાર પુત્રીઓ હોવાથી પુત્રજન્મની અઘટિત માંગણી કરી ત્રાસ આપતા પતિના ત્રાસમાંથી અભયમ હેલ્પલાઈને મુક્તિ અપાવી છે.
વિગત એવી છે કે, મૂળ રાજકોટના જેતપુર નિવાસી રોશનીબેન(નામ બદલ્યું છે) ઘણા વર્ષોથી રોજગારી માટે પરિવાર સાથે સુરત સ્થાયી થયા છે. તેમના પતિ તાડપત્રી વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પીડિતાએ હેલ્પલાઈન પર આપવિતી વ્યક્ત કરતા પતિના ત્રાસમાંથી મુક્ત કરવા આજીજી કરી હતી.
અભયમની ટીમ રોશનીબેનન ઘરે પહોંચી જ્યાં પીડિતાએ જણાવ્યું કે, મારે ચાર દિકરીઓ છે. ચોથી દીકરીનો જન્મ થયો તેને હજી સાત માસ જ થયા છે. ત્યારે પતિ ‘પુત્રીઓ જન્મવા પાછળ તું જ જવાબદાર છે, મારે પુત્ર જ જોઈએ’ એવી અઘટિત માંગણી કરીને સતત ત્રાસ આપે છે.
રોશનીબેને જણાવ્યું કે, મારો ભાઈ પણ રોજગારી માટે સુરત આવ્યો છે અને તે અમારા ઘરે જમવા આવે તો એ પણ પતિને ગમતું નથી. મારી મોટી દીકરી નાની સાથે ગામડે રહે છે, ત્યારે દીકરી માટે કે અહીં ઘરખર્ચ માટે પતિ પૈસા આપતા નથી, જેની સામે મારી સ્થિતિ જોઇને મારા પિયરવાળા આર્થિક મદદ કરે છે.
અભયમે પતિને સમજાવવ્યું કે તમારા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીથી દીકરીઓ, પરિવાર માટે ખૂબ મુશ્કેલી ઉભી થશે. દીકરો-દીકરી એક સમાન છે એમ સમજ આપી સરકાર પણ દીકરીઓના અભ્યાસ, ઉછેર માટે વિવિધ યોજનામાં સહાય આપે છે એમ જણાવી વ્હાલી દીકરી યોજના સહિતની અન્ય યોજનાઓનો લાભ લેવા અને કુટુંબનિયોજનના લાભો સમજાવ્યા હતા. પતિને પોતાની ભૂલ સમજાઈ હતી હવે પછી પુત્રની નિરર્થક અપેક્ષા અંગે પત્નીને ટોર્ચર કે હેરાનગતિ નહીં કરે એવી ખાતરી આપી હતી. અને ઘરેલું સમસ્યામાં દંપતિ વચ્ચે સુખદ સમાધાન થયું હતું.