માતાપિતા લાખ્ખો રૂપિયા શિક્ષણ પાછળ ખર્ચી નાખે છે પણ સારી નોકરી મળતી નથી અને ઉંમર કે લાયકાત જોઈ નોકરી મળે છે.
પણ રાજકારણ એકમાત્ર એવું ફિલ્ડ છે કે જ્યાં ગમેતેટલી ઉંમર હોય કે અભણ હોયતો પણ ઊંચા હોદ્દા ઉપર કમાવાનો મોકો મળે છે અને ટૂંકા ગાળા માં લાખ્ખોના આસામી બની જવાય છે સાથે ઊંચી સવલતો,ઉંચો પગાર,ઈજ્જત,મોભો મળતો હોય હવે રાજકારણમાં લોકો ભાગ્ય અજમાવવા દોડધામમાં પડ્યા છે.
હાલમાં વિધાનસભા ઇલેક્શન આવતા 182 બેઠકો સામે વિવિધ પાર્ટીઓના અને અપક્ષ મળીને કુલ 1606 ઉમેદવારો પોતાનું કિસ્મત અજમાવી રહયા છે.
જેમાં કોનું કિસ્મત ચમકશે તેતો અવનારો સમય કહેશે પણ નવા ભાગ્યવાનો માટે આધુનિક સુવિધાઓ સાથે ગાંધીનગરમાં રહેવા ફ્લેટ આપવાની ગતિવિધિ શરૂ થઈ છે.
રાજકારણ માં સરકાર તરફથી ચૂંટાઇને આવનાર નવા ધારાસભ્યોને 9 રૂમનો આધુનિક સુવિધા સાથેનો આલિશાન ફ્લેટ ભેટ આપવામાં આવશે.
સરકારે નવા એમએલએ ક્વાર્ટર બનાવવા માટે રૂ.247 કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી આપી દીધી છે.
અદ્યતન સુવિધા સાથેના આલિશાન ફ્લેટ અને આધુનિક એમેનિટીઝ પણ ધારાસભ્યોને આ સંકુલમાં મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. હાલ સેક્ટર-21માં આવેલા ક્વાર્ટર કરતા બમણા એટલે કે 274 ચોરસમીટરનો વિસ્તાર ધરાવતા વિશાળ ફ્લેટ બનશે. કુલ 28,576 ચોરસમીટર વિસ્તારમાં સંકુલ આકાર પામશે. આ કેમ્પસમાં 9 માળના કુલ 12 ટાવર બનશે.
આ ફ્લેટ તૈયાર થતા હજુ દોઢથી બે વર્ષનો સમય લાગશે પરંતુ આ નવી ટર્મના ધારાસભ્યોને રહેવા માટે આ ફ્લેટ મળશે.
હાલ વિધાનસભાની 182 બેઠકો છે પરંતુ આગામી સમયમાં નવા સિમાંકનથી નવી બેઠકો અસ્તિત્વમાં આવે તેવા સંજોગોને ધ્યાને લઇ કુલ 216 ધારાસભ્ય રહી શકે તે રીતે ફ્લેટ બનાવવાનું આયોજન છે.