પોલીસ જ દારૂ પીતી હોય ત્યાં દારૂબંધી કેવી ? વડોદરામાં દારૂ પીને બેફામ બનેલા પોલીસવાળાએ બસ કંડકટરને લાફા ઝીંક્યા !!

0
37

ગુજરાતમાં એક તરફ પોલીસ દારૂબંધીનો કડક અમલ કરાવી રહી હોવાની વાતો કરે છે અને બીજી તરફ પોલીસકર્મી જ દારૂ પીને દાદાગીરી કરતા હોવાના દૃશ્યો વારંવાર જોવા મળે છે.

નવસારીથી પાટણ જતી બસ ગત મોડી રાત્રે વડોદરા ડેપો ઉપર આવી ત્યારે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો LRD જવાન રાજેશદાન મોરારદાન ગઢવી ડેપોમાં જવાના રસ્તા વચ્ચે ઉભો હતો

જેથી બસના કંડક્ટર વિષ્ણુભાઇ હમીરભાઇ દેસાઇએ પોલીસકર્મી રાજેશદાનને સાઇડમાં ઉભા રહેવા કહ્યું હતું જેથી બસ સેન્ટ્રલ ડેપોની અંદર જઇ શકે. આ સાંભળી પોલીસકર્મી રાજેશદાન ઉશ્કેરાઇ ગયો હતો અને કંડક્ટરને અપશબ્દો કહેવા લાગ્યો હતો. જો કે આ બાબતે બસના કંડક્ટરે ખાસ ધ્યાન નહિ આપી દેપોમાં ગયા હતા અને બસ એસટી ડેપોમાં પાર્ક કરતા કંડક્ટર વિષ્ણુભાઇ બસમાંથી ઉતર્યા હતા. આ દરમિયાન પ્લોટફોર્મ પર પોલીસકર્મી રાજેશદાન આવ્યો હતો અને તું મને ઓળખે છે? હું પોલીસવાળો છું કહી અપશબ્દો કહ્યા તેમજ કંડક્ટરને બે-ત્રણ લાફા ઝીંકી દીધા તેમજ માર મારવા લાગ્યો હતો.

પરિણામે બસના ડ્રાયવર અને ત્યાં હાજર મુસાફરો દોડી આવ્યા હતા અને દારૂના નશામાં માર મારી રહેલા રાજેશદાન પાસેથી કંડક્ટરને છોડાવ્યો હતો. આ અંગે વડોદરા એસટી ડેપોમાંથી પોલીસને કોલ કરતા સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો અને દારૂના નશામાં મારામારી કરનાર પોતાના પોલીસ સ્ટેશનના જ પોલીસકર્મીને ઝડપી લીધો હતો.

રાજેશદાન સામે સયાજીગંજ પોલીસે દારૂ પીવા તેમજ મારામારી કરવા મામલે બે જુદાજુદા કેસ દાખલ કરવામાં આવ્યા છે. તેમજ તે દારૂ ક્યાંથી લાવ્યો હતો તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

આમ,પોલીસ જ જો દારૂ પીતી હોય તો પછી દારૂબંધીનો અમલ કોણ કરાવશે ?તે સવાલ જનતામાં ઉઠી રહ્યા છે.