બુટલેગર વિનોદ સિંધી દુબઈ ભાગી ગયો,પોલીસની રેડ કોર્નર નોટિસ

0
96

ગુજરાતમાં બોટાદના લઠ્ઠાકાંડ બહાર આવ્યા બાદ સરકાર ઉપર માછલાં ધોવાતા આખરે સરકારે પોલીસને દારૂબંધીનો કડક અમલ કરવાની કાર્યવાહી કરવા આદેશ આપતા છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં દારૂનો કરોડોનો ધંધો કરનારા સૌથી મોટા વિનોદ સિંધી ઉપર ભીંસ વધતા તે દુબઈ ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે.

વિજિલન્સની ટીમ તેની પાછળ પડી હતી પણ એના પાસપોર્ટ નંબરની વિગત પોલીસને મળી અને ખબર પડી કે વિનોદ સિંધી ભારત છોડીને દુબઈ ભાગી ગયો છે.

એક કોર્પોરેટ કંપનીની જેમ દારૂનો વેપાર કરતા વિનોદ સિંધી અને તેના સાથીઓ જેમાં નાગદાન ગઢવી સહિતના મોટા બુટલેગરો સામેલ છે. તેની સાથે અમદાવાદના સોનુ સિયાપિયા અને અન્ય બુટલેગરો પણ સામેલ હતા.

વિનોદ સિંધી આખા ગુજરાતમાં દારૂની ડિલિવરી કરે છે. જેમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતની અલગ અલગ જગ્યાએ કઈ રીતે દારૂ સપ્લાય કરવો, કઈ ગાડીમાં ક્યાં જીપીએસ લગાવવું. પોલીસથી કઈ રીતે બચવું તેમજ ક્યાં, કોને કેટલા પૈસા આપવા એ તમામ વિગત અગાઉથી જ નક્કી હોય છે. વિનોદ સિંધી દરેક ગાડી જેમાં દારૂ ભર્યો હોય છે, એનું મોનિટરિંગ કરવા માટે એના વિસ્તારમાં આવતા અલગ અલગ લોકોને કામ સોંપતો હતો. જેના આધારે દારૂની ડિલિવરી થાય ત્યારબાદ આંગડિયાથી રૂપિયા કે હવાલાથી રૂપિયા મેળવવા માટે રીતસરની વ્યવસ્થા ગોઠવી રાખી હતી.

વિનોદ સિંધી ગુજરાતના 38થી વધુ કેસમાં વોન્ટેડ છે, જેમાં અમદાવાદ સહિત અલગ અલગ જગ્યાએ મોટા કેસ છે. જ્યાં ક્યાંક ને ક્યાંક તેનું નામ ખૂલ્યું છે. કારણ કે ગુજરાતમાં જે પણ દારૂ આવે છે, તે વિનોદ સિંધીના હિસાબે જ આવે છે. એક સમયે વડોદરામાં નમકીનનો નામપુરતો ધંધો કરતો વિનોદ સિંધી દારૂનો મોટો લિકર માફિયા છે. તેની સામે રાજસ્થાનમાં પણ સંખ્યાબંધ ગુના નોંધાયા છે. તે મધ્યપ્રદેશ હરિયાણા અને અન્ય રાજ્યમાંથી પણ ગુજરાતમાં દારૂ લાવે છે.

દરમિયાન વિનોદ સિંધીનો સાથીદાર નાગદાન ગઢવી પકડાઈ જતા તેની 29 ઓડિયો ક્લિપે તમામ રહસ્યો ખોલી નાખ્યાં છે. જેના આધારે હવે વિનોદ સિંધીની ધરપકડ શક્ય હતી. પરંતુ તેને ખબર પડી ગઈ કે હવે વિજિલન્સ તેને પકડી શકશે, તે પહેલાં જ તે દુબઈ ભાગી ગયો હોવાનું મનાય રહ્યું છે.

જોકે,ભારતના ઈતિહાસમાં પ્રથમ વાર ગુજરાતના બુટલેગર વિનોદ સિંધી સામે પોલીસની રેડ કોર્નર નોટિસ બહાર પડાઈ હોવાનો આ પહેલો બનાવ હોવાનું સબંધિત વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.