કર્ણાટક વિધાનસભાની ચૂંટણી ભાજપને ફળી નથી અને વર્ષો બાદ કોંગ્રેસે કર્ણાટકમાં જોરદાર જીત મળી છે, પરિણામે આવનારા દિવસોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાનાની ચૂંટણીઓમાં કોંગ્રેસનો આત્મવિશ્વાસ વધશે.
જોકે,અહીં કેટલાક લોકો એવી કોમેન્ટ પણ કરી રહયા છે કે ભાજપ તો ઇવીએમ મશીનથી જીતે છે તો અહીં ઇવીએમ મશીન કેમ ભાજપ તરફી કમાલ ન કરી શક્યા? આ વખતે કેમ વિપક્ષ કેમ કાંઈ ન બોલ્યું કે આતો ઇવીએમ મશીનમાં ગરબડ કરીને મેળવેલી જીત છે.
જોકે, અહીં ઈવીએમ મશીનની વાત બાજુ ઉપર રાખીને રાજકીય તજજ્ઞોનું માનીએ તો આ જીત કોંગ્રેસની ટીમે કરેલા પરફેક્ટ આયોજનને લઈ શકય બન્યું છે.
કર્ણાટકના ઇતિહાસમાં આજદિન સુધી માત્ર ચાર વખત કોઈપણ પાર્ટીને સ્પષ્ટ રીતે બે તૃતિયાંશ જેટલી બહુમતી મળી હોયતો તે કોંગ્રેસને મળી છે.
આ ચૂંટણીના પરિણામોની દૂરોગામી અસર પડશે.
ભાજપને આ પરાજય માટે અવ્વલ તો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ અને એન્ટી ઇન્કમબન્સીનું ફેક્ટર ભાજપને સૌથી વધુ નડ્યું. ભાજપે ગુજરાત અને ઉત્તરાખંડની ચૂંટણી પહેલાં મુખ્યમંત્રીનો ચહેરો બદલ્યો હતો. કેબિનેટના તમામ મંત્રીઓને ગુજરાતમાં પડતા મૂકાયા હતા. જ્યારે ઉત્તરાખંડમાં પણ આમૂલચૂલ પરિવર્તન કરવામાં આવ્યું હતું. કર્ણાટકમાં ભાજપને 40 ટકા ભ્રષ્ટાચારવાળી સરકારની પ્રસ્થાપિત છબીને કારણે ખાસ્સું નુકસાન થયું.
સાથેજ લિંગાયત સમુદાયની નારાજગી પણ છે.
કર્ણાટકના રાજકારણમાં લિંગાયત સમાજનું રાજકીય વર્ચસ્વ છે. કર્ણાટકમાં લિંગાયત સમુદાયના સૌથી કદાવર નેતા તરીકે ભાજપના યેદુરપ્પાની ગણના થતી હતી પણ વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપે યેદુરપ્પાને વિદાય કરીને તેમના સ્થાને બસવરાજ બોમ્મઈ જેવા નેતાને લિંગાયત સમાજમાંથી જ પસંદ કરવામાં આવ્યા, પરંતુ સમાજ આ પરિવર્તનથી રાજી નહોતો તેથી લિંગાયત સમાજે આ ચૂંટણીમાં ભાજપને સાથ ન જ આપ્યો. એ બાબત હવે પરિણામ પરથી સિદ્ધ થઈ ચૂકી છે. બીજો મોટો વિવાદ નંદીની વિરૂદ્ધ અમૂલ બ્રાન્ડ કર્ણાટકમાં લાવવાની વાત. કર્ણાટકના સહકારી મોડલમાં નંદીની ડેરી દ્વારા 32 રૂપિયે લીટર મળતું દૂધ કર્ણાટકની પ્રજાને સસ્તુ લાગતું હતું. પરંતુ જો અમૂલ બ્રાન્ડ ત્યાં આવે તો 54 રૂપિયે લીટર દૂધ થઈ જશે અને દુધના ભાવ વધી જશે આ વાતથી લોકો નારાજ હતા. કારણકે કર્ણાટકમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે ચૂંટણીના સમયે ફુગાવો, બેરોજગારી, ગરીબી અને મોંઘવારી જેવા મુદ્દાઓ કોંગ્રેસ પાર્ટીએ ખાસ્સા ઉછાળ્યા અને ભાજપને ઉદ્યોગપતિઓની પાર્ટી તરીકેની છાપ ઉભી કરવામાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓએ ભારે પ્રચાર કર્યો.
ઉપરાંત રાહુલ ગાંધીએ ગૃહલક્ષ્મી, યુવાનિધિ, અન્નભાગ્ય, ગૃહજ્યોતિ અને સખી પ્રોગ્રામના માધ્યમથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોમાં પ્રચાર કર્યો અને વચન આપ્યું કે જો અમે ચૂંટાઈને આવીશું તો પ્રત્યેક મહિલાને દર મહિને 2000 રૂપિયા મળશે. બેકાર સ્નાતક યુવાનોને 3000 રૂપિયા અને ડિપ્લોમાધારી યુવાનને 1500 રૂપિયાનું ભથ્થું અપાશે. સાથોસાથ અઢી લાખ સરકારી અને 10 લાખ ખાનગી ક્ષેત્રની નોકરીઓ અપાશે. ગરીબી રેખા નીચેના પ્રત્યેક પરિવારને 10 કિલો ચોખા, 200 યૂનિટ વીજળી મફત અને મહિલાઓને બસમાં મફત મુસાફરી. ટૂંકમાં, રાહુલ ભૈયાએ ચૂંટણીના ઢંઢેરામાં જબરદસ્ત વચનોની લ્હાણી કરી, એટલું જ નહિ, ચૂંટાયા બાદ પહેલી જ કેબિનેટમાં તમામ નિર્ણયો પસાર કરવાની શનિવારે જાહેરાત પણ કરી છે.
મતદારોને ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગ તથા મહિલાઓને કોંગ્રેસની આ યોજનાઓ સ્પર્શી ગઈ અને મત આપ્યા.
બીજું કે અહીં મુસ્લિમ ફેક્ટર ભાજપને સૌથી વધુ નડ્યું. ભાજપે ધ્રુવીકરણની ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને ગુજરાતની નીવડેલી વ્યૂહરચનાને કર્ણાટકમાં અજમાવવાની કોશિશ કરી હતી. અગાઉ કર્ણાટકમાં હિજાબ, હલાલ, લવજિહાદ, વેલેન્ટાઈન ડેની ઉજવણીના વિવાદ વગેરેમાં બજરંગદળની ભૂમિકા ખાસ્સી હતી. ભાજપે ચૂંટણી પહેલાં કર્ણાટકમાંથી મુસ્લિમ અનામત પોતાની 4 ટકા બેઠકો રદ કરી. એ બેઠકો લિંગાયત અને વોકાલિંગા સમાજને સમાન ધોરણે એટલે કે 2-2 ટકા આપવાની જાહેરાત કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે હાલ પૂરતી અટકાવી છે. પરંતુ ત્યારબાદ ચૂંટણી ઢંઢેરામાં ભાજપે યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની જાહેરાત કરી તેની સામે કોંગ્રેસ પાર્ટીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં બજરંગદળ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી. ભાજપને લાગ્યું કે, રાષ્ટ્રીય દૃષ્ટિએ આ મુદ્દો ભુનાવી શકાય અને ભાજપના તમામ સિનિયર નેતાઓએ જય બજરંગબલીના નારાઓ લગાડ્યા. પરંતુ હિન્દુત્વની મતબેન્ક સુદૃઢ ન થઈ, જ્યારે મુસ્લિમ સહિત લઘુમતિ સમુદાયના મતો કોંગ્રેસની તરફેણમાં એકતરફી ગયા. કારણ એ હતું કે, મુસ્લિમોને કોંગ્રેસની તુષ્ટિકરણની નીતિ ગમતી હતી. એટલું જ નહિ, પોતાના રાજકીય અસ્તિત્વ માટે પણ અનિવાર્ય લાગતી હતી. અને માટે જ સામાન્ય સંજોગોમાં લઘુમતી મતો કોંગ્રેસ અને જેડી (સેક્યુલર) વચ્ચે વહેંચાઈ જતા હતા એના બદલે સાગમટે કોંગ્રેસમાં ગયા. જ્યારે હિન્દુત્વની મતબેન્કના ભાગલા વોકાલિંગા, લિંગાયત, અનુસૂચિત જાતિ, જનજાતિ, ઓબીસી, અહિંદ મતદારોમાં થયા. જેનો લાભ ભાજપને ન મળ્યો. બલ્કે મુસ્લિમ મતોને કારણે કોંગ્રેસને મળેલા મતોની ટકાવારી અને બેઠકો પણ વધી.
ઉપરાંત રાહુલ ગાંધીની પદયાત્રા કર્ણાટકમાં કોંગ્રેસને ફળી. રાહુલ ગાંધીએ જે રૂટ પરથી પદયાત્રા કાઢી હતી તે પૈકી 68 ટકા બેઠકો પર ભાજપને વિજય થયો છે. એથી પણ વિશેષ લોકસભામાં રાહુલનું સભ્યપદ ગયું એ ઘટનાક્રમને કારણે થોડી સહાનુભૂતિ પણ રાહુલને મળી. નવમા પરિબળ તરીકે પ્રિયંકા ગાંધીની એન્ટ્રી અને આક્રમક તેવર સાથે ઇન્દિરા ગાંધીની પેટર્નથી મહિલા મતદારો સાથેનો સંવાદ કારગત નીવડ્યો.
જોકે,આ બધી વાતો રાજકીય સમિક્ષકો કરી રહયા છે પણ સાથેજ જ્યારે ભાજપ જીતે ત્યારે ઇવીએમ મશીનની કમાલ અને કોંગ્રેસ જીતેતો મતદારોની કમાલ આ બે મુદ્દા હાલ ભારે ટ્રેન્ડ થઈ રહયા છે.