ભારતમાં મહામારીની ત્રીજી લહેરના સંકેત, બુધવારે 41 હજારથી વધુ કોરોના કેસ

0
53

મુંબઇઃ દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.  ભારતના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા 21 જુલાઇ, 2021 બુધવારના રોજ સમાપ્ત થયેલા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસના સંક્રમણના નવા 41,383 કેસો સામે આવ્યા છે. આ દરમિયાન દેશમાં કોરોનાથી સંક્રમિત 507 દર્દીઓના મોત થયા છે.

આમ ભારતમાં કોરોના સંક્રમિત એક્ટિવ કેસોની કૂલ સંખ્યા 4,09,394 છે.

ભારતમા કોરોના સંક્રમણથી મુક્ત થયેલા એટલે કે 3,04,29,339 લોકો સાજા થયા છે. આમ કોરોનાનો રિકવરી રેટ હાલ 97.35% થયો છે. તો વિકલી પોઝિટિવિટી રેશિયો 5 ટકાથી નીચે 2.12% રહેલો છે.

બીજી બાજુ દૈનિક પોઝિટિવિટી છેલ્લા 31 દિવસમાં 3 ટકાથી નીચે 2.41 ટકાના સ્તરે રહેલો છે. ઉપરાંત કોરોના રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં લોકોને 41.78 કરોડ વેક્સીનના ડોઝ મૂકવામાં આવ્યા છે.

દેશમાં મે- જૂન મહિનામાં કરાયેલા જીનોમ સિક્વેસિંગના પરિણામ દર્શાવે છે કે 87 ટકા સંક્રમણ ડેલ્ટા વેરિયન્ટના કારણે જ થયુ છે. તો અમેરિકામાં 83 ટકા સંક્રમણનું કારણ આ વેરિયન્ટ છે. વેક્સીન મુકાયા બાદ સંક્રમિત થનાર મોટા ભાગના લોકોમાં ડેલ્ટા વેરિયન્ટની અસર જોવા મળી છે. અલબત્ત વેક્સીનની અસર ડેલ્ટા વેરિયન્ટનું જોખમ ઘણું ઓછુ કરી દે છે અને સંક્રમિત થનારા બહુ ઓછા લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની નોબત આવી છે. વેક્સીન બાદ સંક્રમણથી મોતના આંકડાઓ પણ ઘટી ગયા છે.