મનીષ સિસોદિયાના રિમાન્ડ 5 દિવસ માટે વધ્યા, 22 માર્ચ સુધી ED કસ્ટડીમાં રહેશે

0
23

નવી દિલ્હીઃ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના રિમાન્ડની અવધિ વધારી દીધા છે. દિલ્હીના એક્સાઇઝ પોલિસી કેસમાં મનીષ સિસોદિયાને કોર્ટે 5 દિવસના ED રિમાન્ડ પર મોકલી દીધા છે. EDએ કોર્ટ પાસે મનીષ સિસોદિયાના સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

આરોપીઓ સાથે બેસાડીને પૂછપરછ

ઇડી દ્વારા મનીષ સિસોદિયાને વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. EDએ કોર્ટને કહ્યું કે મનીષ સિસોદિયાની કસ્ટડી દરમિયાન મહત્ત્વ માહિતી મળી છે અને તેમને અન્ય આરોપીઓ સાથે બેસાડીને પૂછપરછ કરવાની છે. મનીષ સિસોદિયાના ઈમેલ, તેમના મોબાઈલ ફોનમાંથી મળેલા ડેટાનું ફોરેન્સિક વિશ્લેષણ પણ કરવામાં આવી રહ્યું છે.

મનીષ સિસોદિયાના વકીલે વિરોધ કર્યો

મનીષ સિસોદિયાના વકીલે તેમના રિમાન્ડને લંબાવવાની EDની વિનંતીનો વિરોધ કરતા કહ્યું કે તપાસ એજન્સી કથિત અપરાધથી તઃયેલી આવક પર કશું બોલી રહી નથી જયારે કેસના કેન્દ્રમાં એ જ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કસ્ટડીની અવધિ વધારવાનો કોઈ અર્થ નથી અને મનીષ સિસોદિયાને તેમની અગાઉની સાત દિવસની કસ્ટડી દરમિયાન માત્ર ચાર લોકો સાથે સામનો કરાવવામાં આવ્યો હતો. 

EDએ 9 માર્ચે સિસોદિયાની ધરપકડ કરી હતી

જણાવી દઈએ કે EDએ 9 માર્ચે તિહાર જેલમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. 2021-22 માટે દિલ્હી સરકારની આબકારી નીતિની રચના અને તેને લાગૂ કરવાના કથિત ભ્રષ્ટાચારના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી ત્યારથી તેઓ અહીં જેલમાં બંધ છે. સીબીઆઈ દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે, જેણે 26 ફેબ્રુઆરીએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. દિલ્હી સરકારની આબકારી નીતિ 2021-22 હવે રદ કરી દેવામાં આવી છે. 26 ફેબ્રુઆરીએ મનીષ સિસોદિયાને પહેલા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને લાંબી પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ મામલે દિલ્હીનું રાજકારણ પણ ગરમાયુ હતું, અને એ પછીથી દિલ્હી ભાજપ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું પણ રાજીનામુ માંગી રહી છે.