મોરબી બેઠક ઉપર એક સમયે કાંતિ અમૃતિયાને હરાવનાર બ્રિજેશ મેરજાનું પત્તુ કેમ કપાયું ? ‘સમય બલવાન,નહિ મનુષ્ય બલવાન !’

0
96

મોરબી પુલ દુર્ઘટનામાં બચાવ કામગીરી કરનાર કાંતિ અમૃતિયા મીડિયામાં છવાઈ જતા લોકોમાં તેમની કામગીરી ખુબજ પ્રશંસનીય બની હતી પરિણામે ભાજપે કાંતિ અમૃતિયાને ટીકીટ આપી તેમનું બહુમાન કર્યું છે જોકે બીજી તરફ દિગ્ગજ નેતા બ્રિજેશ મેરજાનું પત્તુ કપાઈ ચૂક્યું છે.
કોણ છે આ બ્રિજેશ મેરજા અને કાંતિ અમૃતિયા એ આપને જણાવીશું.

વર્ષ 2020માં બ્રિજેશ મેરજા કોંગ્રેસ છોડી ભાજપમાં ગોઠવાયા હતા.

એજ્યુકેશનની વાત કરવામાં આવેતો બ્રિજેશ મેરજાએ ડિપ્લોમાં ઇન જર્નાલીઝમમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યાર બાદ પબ્લિક રિલેશન ઓફિસર તરીકે કાર્ય કર્યું. 1985થી લઈને 2007 સુધી મંત્રીમડળમાં જુદા-જુદા મંત્રીઓના સચિવ તરીકે કામ કર્યું છે,2007માં તેઓ કોંગ્રેસમાં જોડાયા, મોરબીથી ધારાસભ્ય પણ બન્યા પરંતુ 13 વર્ષ બાદ 5 જૂન 2020ના રોજ મેરજાએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું અને 27 જૂન 2020ના રોજ વિજય રૂપાણીની સરકારમાં ભાજપમાં જોડાઈ ગયા હતા.

જોકે, સપ્ટેમ્બર 2021માં વિજય રૂપાણીને હટાવીને ભાજપે ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા તે વખતે નવા મંત્રીમંડળમાં બ્રિજેશ મેરજાને તક મળી ગઈ અને રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી તરીકે બ્રિજેશ મેરજાએ લગભગ 13 મહિના કામ કર્યું, હવે આચારસંહિતા લાગી ગઈ છે અને ભાજપે જે નામોની યાદી જાહેર કરી તેમાં મોરબીની બેઠક પરથી મેરજાનું પત્તુ કપાયુ અને ભાજપે કાંતિ અમૃતિયાને ટિકિટ આપી છે.

મહત્વનું છે કે બ્રિજેશ મેરજાની ટિકિટ કાપીને ગત ટર્મમાં બ્રિજેશ મેરજા સામે જ હારી ગયેલા કાંતિ અમૃતિયાને ટિકિટ આપી અને આ નિર્ણય માત્ર ૧૨ દિવસમાં ચેન્જ કરવામાં આવ્યો હતો. ૩૦ ઑક્ટોબરે મોરબીમાં ઝૂલતો પુલ પડ્યાની પંદરમી મિનિટે કાંતિ અમૃતિાયા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, એટલું જ નહીં, પોતાને તરતાં આવડતું ન હોવા છતાં લાઇફ જૅકેટના સહારે પાણીમાં કૂદી પડ્યા અને ૧૦થી ૧૨ લોકોના જીવ બચાવ્યા હતા તે સેવા અમૃતિયાને ફળી છે.

મોરબી હોનારત બાદ અહીં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જોરદાર ફટકો પડશે તેવી અટકળો હતી પણ હવે અમૃતિયા ને ટીકીટ આપતા લોકરોષ શાંત થઈ જશે તેમ જાણકારોનું માનવું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૭ના ઇલેક્શનમાં બ્રિજેશ મેરજા આ જ બેઠક પરથી કૉન્ગ્રેસની ટિકિટ પર લડ્યા હતા અને તેમણે કાંતિ અમૃતિયાને હરાવ્યા હતા પણ હવે
કાંતિ અમૃતિયાએ ઝૂલતા પુલની દુર્ઘટના સમયે તેમણે જે રીતે ‘સેવા’ ભાવના બતાવી તેનું ફળ કેન્દ્રીય મોવડીમંડળે ટિકિટરૂપે આપ્યું હોવાનું તજજ્ઞોનું કહેવું છે અને મેરજા ની ટીકીટ કપાઈ છે.