આજકાલ ઠગ લોકો રાજકીય નેતાઓ ને લાલચમાં ફસાવી મોટી રકમ પડાવી રહયા છે તાજેતરમાં જ ગુજરાતી ઠગ કિરણ પટેલે નકલી ઓફિસર બની “વટ” પાડ્યા બાદ હવે વધુ એક આવો ઠગ પ્રકાશમાં આવ્યો છે જેણે નેતાઓને મંત્રીપદ આપવાની ઓફર કરી પૈસા પડાવ્યા છે.
મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્યને રાજ્યની એકનાથ શિંદે સરકારમાં મંત્રી બનાવવાની લાલચ આપીને રકમ માંગનાર મૂળ મોરબીના નીરજસિંહ રાઠોડની નાગપુર પોલીસે ધરપકડ કરી હતી.
આ નીરજ રાઠોડે પોતે ભાજપના પ્રમુખ જેપી નડ્ડાનો પીએ હોવાનો દાવો કરી નેતાઓને બાટલામાં ઉતાર્યા હતા.
મધ્ય નાગપુર બેઠકના ભાજપના ધારાસભ્ય વિકાસ કુમ્ભારેએ રાઠોડ સામે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કુમ્ભારેએ રાઠોડને નાણા આપ્યા નહોતા પણ અન્ય ધારાસભ્યોએ રાઠોડને નાણાની ચુકવણી કરી હતી. પોલીસે રાઠોડ સામે કલમ 420 હેઠળ કેસ નોંધીને ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારની તરફેણમાં સુપ્રીમકોર્ટના ચુકાદા બાદ શિંદે સરકારના વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે રાઠોડે મહારાષ્ટ્રના ચાર ધારાસભ્યોને મંત્રીપદની લાલચ આપીને નાણાની માગણી કરી હતી.
એટલું જ નહીં રાઠોડે નાગાલેન્ડ અને ગોવાના ધારાસભ્યોને પણ પોતે નડ્ડાનો પીએ હોવાનો દાવો કરીને લાલચ આપી હતી.