રાજકોટ જિલ્લામાં દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના હેઠળ મળેલી તમામ ૫૬૧ અરજી મંજૂર કરી રૂ. ૮.૬૭ લાખ જેટલી રકમની ચૂકવણી કરાઈ

0
28

રાજ્યના દિવ્યાંગ બાળકોમાં સાક્ષરતા દર વધે અને તેઓ શિક્ષિત થઇ અન્યો સાથે ખભેથી ખભો મિલાવી શકે તે માટે રાજ્ય સરકારે વિશેષ દરકાર લીધી છે. દિવ્યંગ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે રાજ્ય સરકારે વિવિધ હિતલક્ષી યોજનાઓ અમલી બનાવી છે, અને તેમાની જ એક મહત્વપૂર્ણ યોજના છે દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના. દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજનાની અમલવારી અંગેની વિગતો વિધાનસભા ગૃહ ખાતે રજૂ કરવામાં આવી હતી. આ વિગતોમાં દર્શાવ્યા અનુસાર રાજકોટ જિલ્લામાં દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના હેઠળ ૧-૧-૨૦૨૨ થી ૩૧-૧૨-૨૦૨૨ સુધીના સમયગાળામાં કુલ ૫૬૧ અરજીઓ મળી હતી. જે પૈકીની તમામ અરજીઓને મંજૂરી આપી રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૮.૬૭ લાખ જેટલી રકમની ચૂકવણી પણ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૪૦ ટકા કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેમાં ધોરણ ૧ થી ૧૨, આઇટીઆઇ સમકક્ષ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, બીએ, બીએસસી, બીઇ, બીટેક અને એમબીબીએસ સમકક્ષ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ અનુસ્નાતક સમકક્ષ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ સહાય મળવાપાત્ર છે. આ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિની રકમ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર- ડીબીટીના માધ્યમથી સીધી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.