રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવનાર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
વિગતો મુજબ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જાહેરાત કરી છે કે મોંઘવારી ભથ્થું જાહેર કરવાની પ્રક્રિયા હવે પૂર્ણ થવા પર છે.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના આશરે પાંચ લાખ કર્મચારીને 8% મોંઘવારી ભથ્થું ફાળવવાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે.
મહત્વનું છે કે ગત વર્ષની જેમ જ આ મોંઘવારી ભથ્થું 3 હપ્તામાં ચૂકવવામાં આવશે. કર્મચારી મહામંડળના સૂત્રોના જણાવ્યા મુજબ કર્મચારીઓને જૂલાઈ 2022થી 34% મોંઘવારી ભથ્થું આપવામાં આવતું હતું, જેમાં 4% વધારો કરીને હવે 38% 2023માં આપવામાં આવશે.
નોંધનીય છે કે કર્મચારીઓની માગ હતી કે વર્તમાન મોંઘવારી ભથ્થામાં વધારો કરીને 42% આપવામાં આવે.
આવા સમયે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના આશરે પાંચ લાખ કર્મચારીને 8% મોંઘવારી ભથ્થું ફાળવવાની જાહેરાત ટુક સમયમાં થનાર છે.
આપને જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થું એક એવું નાણું છે, જે સરકારી કર્મચારીઓને મોંઘવારી વધવા છતાં તેમનું જીવન ધોરણ જાળવી રાખવા માટે આપવામાં આવે છે. આ નાણાં સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે. દેશની વર્તમાન મોંઘવારી પ્રમાણે દર 6 મહિને તેની ગણતરી કરવામાં આવે છે.
હાલ જે કેન્દ્ર સરકાર દ્વારા ભથ્થું આપવામાં આવે છે એમાં રાજ્યના કર્મચારીઓને 10-10 મહિના સુધી રાહ જોવી પડે છે. ત્યારે રાજ્યના કર્મચારીઓમાં સરકાર પ્રત્યે ભારે નારાજગી સાથે અસંતોષની લાગણી જોવા મળી છે. રાજ્ય સરકાર સત્વર કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થું જાહેર કરે એવી કર્મચારીઓએ માગણી કરી હતી.