રાહુલ અને સોનિયા ગાંધીનું અપમાન? પીએમ મોદી વિરુદ્ધ કોંગ્રેસે રજૂ કર્યો વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ 

0
34

કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પોતાના ભાષણમાં યુપીએ અધ્યક્ષ અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે શુક્રવારે આ આરોપ સાથે પીએમ મોદી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ આગળ વધાર્યો છે. સંસદના બજેટ સત્રના બીજા તબક્કા દરમિયાન આ પ્રસ્તાવને લઈને ફરી એકવાર શાસક પક્ષ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે.

કોંગ્રેસે રાજ્યસભાના અધ્યક્ષને પત્ર લખીને આરોપ લગાવ્યો 

કોંગ્રેસે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીના ભાષણને ટાંકીને રાજ્યસભાના અધ્યક્ષને પત્ર લખ્યો છે. પીએમ મોદીના ભાષણ દરમિયાન કોંગ્રેસના નેતાઓ પરના નિવેદનના આધારે કોંગ્રેસ દ્વારા વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. કોંગ્રેસને મોકલવામાં આવેલી આ નોટિસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે પીએમ મોદીનું નિવેદન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી માટે અપમાનજનક છે. કોંગ્રેસના બંને નેતાઓ લોકસભાના સાંસદ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું? કોંગ્રેસે જણાવ્યું 

કોંગ્રેસે રાજ્યસભાના અધ્યક્ષને લખેલા પત્રમાં પીએમ નરેન્દ્ર મોદીનું નિવેદન પણ સામેલ કર્યું છે. પત્ર અનુસાર, પીએમ મોદીએ કહ્યું હતું કે, “મને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે નેહરુજીનું નામ આપણાથી ક્યારેક છૂટી જતું હશે અને જો છૂટી જાય છે તો આપણે તેને સુધારી પણ લઈશું… (વિક્ષેપ)… કારણ કે તેઓ દેશના પહેલા વડાપ્રધાન હતા, પરંતુ મને એ સમજાતું નથી કે તેમની પેઢીનો કોઈ પણ વ્યક્તિ નેહરુજીની અટક રાખવાથી કેમ ડરે છે? શું શરમ છે? નેહરુ અટક રાખવામાં શું શરમ છે?… (વિક્ષેપ)… આવી મહાન વ્યક્તિ તમને સ્વીકાર્ય નથી, પરિવાર સ્વીકાર્ય નથી…” 

જણાવી દઈએ કે જયારે વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો એ પછી ઘણો વિવાદ પણ થયો હતો અને વિપક્ષે એ વખતે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.