વડગામ બેઠક ઉપર જીગ્નેશ મેવાણી માટે આપ-AIMIM અને ભાજપ બન્યા પડકાર ! કોણ ફાવશે?

0
38

ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે હાલ વડગામ બેઠક 2022 જીતવા ભાજપે કમર કસી છે.
આ બેઠક આમતો કોંગ્રેસનો ગઢ ગણાતી હતી પણ ગત વર્ષ 2017માં અપક્ષમાંથી ઉભા રહેલા જીગ્નેશ મેવાણીએ આ બેઠક જીતી હતી. વડગામ સીટ પર 1962થી અત્યારસુધીમાં યોજાયેલી 11 ચૂંટણીઓમાં બેવાર જ ભાજપ અને 7વાર કોંગ્રેસ, જ્યારે જનતાદળ અને અપક્ષનો 1-1વાર વિજય થયો છે.  ગત 2017ની ચૂંટણી સમયે આ બેઠક પર અપક્ષમાંથી વિજેતા થયેલા જિજ્ઞેશ મેવાણી અને ભાજપના ઉમેદવાર વિજય ચક્રવર્તી વચ્ચે 20 હજાર મતનો તફાવત રહ્યો હતો.

હવે સ્થિતિ જુદી છે જીગ્નેશ મેવાણી હાલ કૉંગ્રેસમાં છે અને વડગામ વિધાનસભા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલા ભાજપમાં જોડાઈ ગયા છે, જેથી ભાજપની તાકાત વધી છે અને ભાજપ મજબૂત બન્યો છે.

બીજી તરફ AIMIM પાર્ટી દ્વારા પણ દલિત આગેવાન પ્રદીપ પરમારને ટિકિટ આપી જાતિવાદી કાર્ડ ખેલ્યું છે.
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM મેવાણીની દલિત અને મુસ્લિમ વોટબેંક કબ્જે કરવા રણનીતિ અપનાવી છે. ઓવૈસીએ થોડા સમય અગાઉ વડગામના મજાદર ગામમાં સભા પણ કરી હતી આ સીટ પર કુલ 90 હજાર મુસ્લિમ અને 33 હજાર દલિતોના મત છે. જો આ બન્ને જ્ઞાતિના મતો વહેંચાઈ જાય તો મેવાણી માટે બેઠક જીતવી આસાન નહિ હોય.

આમ આદમી પાર્ટીએ પણ દલપત ભાટિયાને ઉમેદવાર બનાવ્યા છે. દલપત ભાટિયા મેવાણીને હરાવવા માટે મુસ્લિમ સમાજના આગેવાનો સાથે સૌથી વધારે મુલાકાત કરી અને પ્રચાર વધારે તેજ બનાવી રહ્યા છે. આમ, જો AIMIM અને આપના ઉમેદવાર વચ્ચે દલિત અને મુસ્લિમ મતો વહેંચાઈ જાય તો ભાજપ માટેનો રસ્તો ખુલ્લો થઈ શકે છે અને ભાજપને ફાયદો થવાની ગણતરી વ્યક્ત થઈ રહી છે.