વડોદરામાં ગેસ લાઈનમાં ભંગાણ પડતા પાંચ હજાર ગેસના ચૂલા બંધ થઈ ગયા,લોકો જમવાનું લેવા બહાર દોડ્યા !

0
41

વડોદરાનાજયરત્ન ચાર રસ્તા નજીક ડ્રેનેજની કામગીરી દરમિયાન ગેસ લાઈનમાં ભંગાણ પડતા ગેસ પુરવઠો ખોરવાતાં બરાબર જમવાના ટાઈમેજ ગેસના ચૂલા બંધ થઈ જતા લોકોએ બહારથી ફૂડ પાર્સલ મંગાવવા પડ્યા હતા અને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.
વિગતો મુજબ શહેરના જયરત્ન ચાર રસ્તા નજીક પાલિકાના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા ચાલી રહેલી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી દરમિયાન ગત સાંજે 7.30 વાગ્યાના અરસામાં અહીથી પસાર થતી ગેસની 160 એમએમની મુખ્ય લાઇનમાં ભંગાણ પડતા ભારે અફરા તફરી મચી હતી.
ઘટનાની જાણ પાલિકાની ગેસ વિભાગની ટીમને થતા ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને મુખ્ય લાઇનનો ગેસ પુરવઠો બંધ કરતા જયરત્ન ચાર રસ્તા સહિતના 5 હજાર કનેક્શનમાં મોડીરાત સુધી ગેસ પુરવઠો ખોરવાયો હતો.
ગેસ પુરવઠો ખોરવાતાં નવાપુરા, વિજય સોસાયટી, જવાહર સોસાયટી, શ્રદ્ધા સોસાયટી, ગંગોત્રી એપાર્ટમેન્ટ, શાંતિકુંજ, ગણેશ સોસાયટી, કુંભારવાડા વિસ્તારમાં ગેસના ચૂલા બંધ થઈ જતા લોકોએ બહારથી જમવાનું મંગાવવું પડ્યું હતુ અને લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.